સ્વતંત્રતા પર્વ પર લોકો કોરોનાથી આઝાદીનો સંકલ્પ કરે: મોદી
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતના ૬૭માં સંસ્કરણમાં કારગિલ વિજય દિવસ પર દેશના શહીદ સૈનિકોને યાદ કર્યા હતા. પીએમ મોદીએ પ્રવર્તમાન કોરોના મહામારીને લઈને પણ લોકોને સાવેચેતી વર્તવા માટે અનુરોધ કર્યો હતો. પીએમ મોદીએ સ્વતંત્રતા પર્વ પર કોરોનાથી આઝાદી મેળવવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતું. વડાપ્રધાને દેશના યુવાનોએ આપણા લશ્કરના સૈનિકોની કારગિલની સૌર્યગાથાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે સરહદ પર આપણા સૈનિકોના કલ્યાણને ધ્યાનમાં રાખીને લોકોએ તેમની વાતો બીજા લોકો સુધી પહોંચાડવી જોઈએ.
આ ઉપરાંત મન કી બાત કાર્યક્રમમાં પીએમએ કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, હજુ પણ કોરોના સંકટ ઓછું થયું નથી અને આપણે સતર્ક રહેવું પડશે. લોકોએ માસ્ક પહેર્યા વગર ઘરની બહાર જાવું જોઈએ નહીં અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવું જોઈએ. કોઈ કોઈ સ્થળે જણાયું છે કે જ્યારે માસ્ક પહેરવું ફરજિયાત અને અનિવાર્ય બન્યું છે ત્યારે જ લોકો તેની અવગણના કરી રહ્યા છે.
કોરોના સામેના જંગમાં બિહાર, ઝારખંડ અને પૂર્વોત્તર સહિતના રાજ્યોની કામગીરીની પણ પ્રશંસા કરી હતી. આ રાજ્યો દ્વારા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની પહેલને પણ વડાપ્રધાને બિરદાવી હતી. વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને પણ આડેહાથ લીધું હતું. કારગિલ વિજય દિવસ પર પીએમએ જણાવ્યું કે પાડોશી દેશ પાકિસ્તાને આપણી પીઠમાં છરો ભોંકવાનું કામ કર્યું હતું પરંતુ આપણા બહાદુર જવાનોએ આ દુસ્સાહસને નાકામ કરી દીધું હતું. સ્વતંત્રતા પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને આઝાદીના પ્રસંગે લોકોને કોરોનાથી મુક્તિ મેળવીને આત્મનિર્ભર બનવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. પીએમએ જણાવ્યું કે વિશ્વના અન્ય દેશોની તુલનાએ ભારતમાં કોરોનાનો રિકવરી રેટ સારો છે. મૃત્યુદર પણ ઘણો ઓછો છે. કોરોના કાળમાં આપણે અન્ય બીમારીને પગલે હોસ્પિટલમાં ધક્કા ના ખાવા પડે તેનું ધ્યાન રાખવું પડશે તેમ તેમણે જણાવ્યું હતું.
આસામ અને બિહારમાં આવેલી પૂરની સ્થિતિનો પણ પીએમ મોદીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કોરોના મહામારી વચ્ચે દેશમાં કેટલાક રાજ્યમાં આવેલા પૂરથી લોકોને હાલાકી પડી છે. દેશના તમામ લોકો આસામ અને બિહારની સાથે છે. પીએમ મોદીએ બિહારની મધુબની પેઈન્ટિંગવાળા માસ્કનો પણ ઉલ્લેખ કરી કહ્યું આજકાલ આવા માસ્ક વધુ પ્રચલિત બન્યા છે. આ ઉપરાંત પૂર્વોત્તરના કારીગરો દ્વારા વાઁસમાંથી તૈયાર કરાયેલ બોટલ અને ટીફિન બોક્સ સહિતના ઉત્પાદનોની પણ સરાહના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતના માધ્યમથી દેશવાસીઓ સાથે કોરોના વાયરસના વધી રહેલા ખતરા વિશે વાત કરી. મન કી બાતમાં પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાનો ખતરો ટળ્યો નથી. અનેક સ્થળો પર તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેઓએ કહ્યું કે, આપણે કોરોના સંક્રમણને લઈ તમામ તકેદારી રાખવી પડશે.
પીએમ મોદીએ આ દરમિયાન દેશવાસીઓની સરાહના કરી, જેમના પ્રયાસથી દેશમાં કોરોનાનો રિકવરી રેટ અન્ય દેશોથી સારો રહ્યો છે. દેશમાં કોરોનાનો મૃત્યુ દર પણ ઘણો ઓછો છે.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચહેરા પ માસ્ક પહેરવો કે કપડું બાંધવું, બે મીટરનું અંતર રાખવું, સતત હાથ ધોવા, ક્યાંય પણ થૂંકવું નહીં, સાફ સફાઈનું પૂરું ધ્યાન રાખવું- આ આપણા હથિયાર છે જેનાથી આપણે કોરોનાથી બચી શકીએ છીએ. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપ સૌને માસ્ક પહેરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો હોય તો આપણે તે ડાૅક્ટર, તે નર્સોને યાદ કરવા જોઈએ જે માસ્ક પહેરીને કલાકો સુધી સતત આપણા સૌના જીવનને બચાવવામાં પ્રયત્નશીલ રહે છે. વડાપ્રધાને આ ઉપરાંત કહ્યું કે, હવે લડાઈ માત્ર સરહદ પર જ નથી લડવામાં આવી રહી. દરરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લડવામાં આવી રહી છે. ક્યારેક આપણે એ વાતને પણ સમજ્યા વગર સોશિયલ મીડિયા પર એવી બાબતોને પ્રોત્સાહન આપી દઈએ છીએ કે આપણા દેશને ખૂબ નુકસાન કરી શકે છે.