નવાબ બિલ્ડર્સના માલિકોની વેપારીને જાનથી મારવાની ધમકી
અમદાવાદ: શહેરના શાહઆલમ વિસ્તારમાં એક જમાનામાં સેવાકીય અને કોમી એખલાસની સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા નવાબ બિલ્ડર્સ પરિવારની છબી છેલ્લા કેટલાક સમયથી માથાભારે ગ્રુપ તરીકે ઉભરી રહી છે. ઈસનપુર પોલીસ સ્ટેશનમાં શનિવારે બપોરે નવાબ બિલ્ડર્સ પરિવારના ૩ ભાઈઓ વિરુદ્ધ સ્ક્રેપના વેપારીએ જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
હાલ પોલીસે નવાબ બિલ્ડર્સના માલિકો બાબાખાન પઠાણ અને તેના ભાઈઓ મેહબુબખાન અને શરીફખાન વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. દાણીલીમડામાં નવાબ બંગલોની સામે રહેતાં સ્ક્રેપના વેપારીનું મકાન છેલ્લા કેટલાક સમયથી શરીફખાનને કારણે વેચાતું નથી. ગત શુક્રવારે રાત્રે આરોપી ભાઈઓએ વેપારીને ઓફિસે બોલાવી મકાન મુદ્દે અપશબ્દો બોલી ધમકી આપી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, દાણીલીમડા સ્થિત મેમણની ચાલીમાં નવાબખાનના બંગલાની સામે રહેતાં ૪૫ વર્ષીય સાબિરહુસેન ઈકબાલભાઈ લુહાર પ્લાસ્ટીક સ્ક્રેપનો અને ટી સ્ટોલ ધરાવી વેપાર કરે છે. સાબિરહુસેન તેમના મકાનની આજુબાજુમાં રહેતાં નવાબ બિલ્ડર્સના બાબાખાન, મેહબુબખાન અને શરીફખાનને સારી રીતે ઓળખે છે. શરીફખાનના લીધે સાબિરહુસેનનું મકાન વેચાતું નથી.
સાબિરહુસેનને ઘરે ગત શુક્રવારે રાત્રે ૯ વાગ્યે આવેલા નવાબ બિલ્ડર્સના માણસે જણાવ્યું કે, શરીફખાન તમને નવાબ બિલ્ડર્સની ઓફિસે બોલાવે છે. જેથી સાબિરહુસેન રાત્રે નવાબ બિલ્ડર્સની ઓફિસે પહોંચ્યા, ત્યારે ઓફિસમાં ત્રણે ભાઈઓ બાબાખાન, મેહબુબખાન અને નવાબખાન હાજર હતા.
જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, “તારે મકાન વેચવાનું છે. આથી સાબિરહુસેનએ જવાબ આપ્યો કે,તમારા કારણે મારું મકાન વેચાતું નથી. જેથી ઉશ્કેરાયેલા ત્રણે ભાઈઓ સાબિરહુસેનને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા. મેહબુબખાન અને શરીફખાને સાબિરહુસેનને જાનથી મારવાની અને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી, જ્યારે બાબાખાને બિભત્સ અપશબ્દો બોલી બોલાચાલી કરી હતી.”
સાબિરહુસેન ઓફિસથી નીકળી પોતાના ઘરે પહોંચ્યા બાદ દાણીલીમડા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. જાે કે હદનો સવાલ ઉભો થયો હોવાથી પોલીસે ઈસનપુર જવાનું કહ્યું હતું. આખરે શનિવારે બપોરે સાબિરહુસેનની ફરિયાદને પગલે ઈસનપુર પોલીસે નવાબ બિલ્ડર્સના માથાભારે માલિકો બાબાખાન નવાબખાન પઠાણ અને તેના ભાઈઓ મેહબુબખાન તેમજ શરીફખાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.