કાલુપુરઃ સાસરીયા દ્વારા પતિને મળવા ન દેવાતાં પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યાે
અમદાવાદ: મહિલાઓની સુરક્ષા માટે કાયદા કડક બનાવવામાં આવ્યા હોવા છતાં લોકોની માનસિકતામાં કોઈ ફર્ક આવ્યો હોય તેમ લાગતું નથી. એવું અવારનવાર બહાર આવતાં કિસ્સા પરથી પ્રાપ્તિ થઈ રહ્યું છે. ખાસ કરીને સાસરીયા દ્વારા દહેજ કે પુત્ર માટે પરીણીતાને પરેશાન કરતાં બનાવો સામાન્ય બની ગયા છે. ત્યારે કાલુપુરમાં રહેતી એક પરિણીતાએ સાસરીયાઓનાં ત્રાસથી કંટાળીને ઘરમાં પડેલી પેરાસીટામોલની ૨૫ ગોળીઓ ખાઈ લીધી હતી.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે સીફાબેનનાં લગ્ન કાલુપુર, સોદાગરની પોળમાં રહેતાં સલમાનભાઈ મન્સુરી સાથે થયા હતાં. થોડા સમયમાં જ જેઠ-જેઠાણી તથા ત્રણ નણંદોએ તેમની સહીયારી મિલ્કતમાં સલમાનભાઈને ભાગ ન આપવો પડે તેથી કાવાદાવા શરૂ કર્યા હતા અને સલમાનભાઈને ચડાવીને તેમને સીફાબેનથી દૂર રાખતાં હતાં. ઊપરાંત સીફાબેનને છોડી દેવાનું કહેતા હતા. બીજી તરફ તેમની નણંદ ખન્સા મન્સુરી પણ સાસુના કહ્યા મુજબ ન કરવું હોય તો પતિથી દૂર રહેવું એવું કહેતાં હતાં.
બાદમાં સીફાબેન અલગ રહેવા જતાં સલમાનભાઈને તેમનાં ઘરે આવવા દેતા નહતા. વારંવારની પરિસ્થિતિથી કંટાળી સીફાબેને પેરાસિટામોલની ૨૫ ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યાે હતો. જાે કે આસપાસનાં લોકોને જાણ થતાં તેમણે સીફાબેનને હોસ્પિટલે પહોંચાડ્યા હતાં. જ્યાં તેમણે અંજલાભાઈ (જેઠ), આયેશાબેન (જેઠાણી), અફસા (નણંદ), ઊસ્માન (અફસાનો પતિ), સાયરા (નણંદ) અને ખન્સા (નણંદ) વિરૂદ્ધ કાલુપુર પોલીસને ફરીયાદ આપી હતી. કાલુપુર પોલીસે હાલમાં કાર્યવાહી હાથ ધરી છે.