સુકન્યા સમૃદ્ધિ યોજનામાંથી નાણાં અપાવવાના બહાને છેતરપીંડી
કૃષ્ણનગર પોલીસે એક યુવતિ સહિત બે વ્યક્તિ સામે ગુનો દાખલ કરી હાથ ધરેલી તપાસ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં અનલોક દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળવા લાગી છે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠવા લાગ્યા છે શહેરમાં તસ્કરો અને લુંટારુઓ બેફામ બનતા નાગરિકોમાં ફફડાટ જાેવા મળી રહયો છે છેલ્લા ત્રણ દિવસથી સશસ્ત્ર લુંટારુ ટોળકીનો આંતક વધી ગયો છે આ ઉપરાંત ભેજાબાજ ગઠીયાઓ અવનવી મોડસ ઓપરેન્ડી વાપરી નાગરિકો સાથે છેતરપીંડી આચરી રહયા છે.
શહેરમાં ઓનલાઈન છેતરપીંડીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી ગઈ છે આ પરિસ્થિતિમાં શહેરના કષ્ણનગર વિસ્તારમાં સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનાના બહાને નાગરિકો પાસેથી ફોર્મ ભરાવી રૂપિયા પડાવવાના ષડયંત્રનો પર્દાફાશ થતાં ભારે હોબાળો મચી ગયો છે પોલીસે એક યુવતિ સહિત બે વ્યક્તિ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં છેલ્લા અઢી વર્ષથી આ બંને નાગરિકો સાથે છેતરપીંડી આચરતા હતા કષ્ણનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં અનલોક દરમિયાન છેતરપીંડીની ઘટનાઓ ખૂબ જ વધવા લાગી છે વહેપારીઓ સાથે ઉધારમાં માલ લઈ રૂપિયા ન ચુકવવાની ઘટનાઓમાં પોલીસ સઘન તપાસ કરતી હોય છે શહેરના કેટલાક વિસ્તારોમાં ભેજાબાજ ગઠીયાઓ લલચામણી સ્કીમ મુકી નાગરિકો પાસેથી રૂપિયા ઉઘરાવી રહયા છે અને નાગરિકો પણ આવા ગઠીયાઓના સંકજામાં ફસાતા હોય છે.
શહેરના કષ્ણનગર હિરાવાડી વિસ્તારમાં આવેલા રાજકમલ એપાર્ટમેન્ટમાં જયંતિભાઈ છગનભાઈ અને જૈમિની વિશાલભાઈ નામની બંને વ્યક્તિઓ સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજનાના ફોર્મ સ્થાનિક નાગરિકો પાસે ભરાવતા હતા અને ફોર્મ દીઠ રૂા.૮૦૦ ઉઘરાવતા હતા.
૮૦૦ રૂપિયામાં ફોર્મ ભરાવ્યા બાદ આ ફોર્મ તેઓ સરકારમાં જમા કરાવતા હોવાનો દાવો કરતા હતા અને ફોર્મ મંજુર થાય તો બીજા એક હજાર રૂપિયા તેઓ નાગરિકો પાસેથી પડાવતા હતાં આ યોજના હેઠળ જે કઈ રકમ મંજુર થાય તેમાંથી બીજા રૂપિયા ૧૩ હજાર આપવાના રહેતા હતા આમ આ બંને વ્યક્તિઓ સ્થાનિક નાગરિકો પાસેથી આ યોજનાના ફોર્મ ભરાવી મોટી રકમ પડાવતા હતાં આ પ્રક્રિયામાં અનેક સ્થાનિક નાગરિકોએ ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળી રહયું છે. રાજકમલ એપાર્ટમેન્ટમાં જ રહેતા વિપુલ પ્રહલાદભાઈ પટેલે પણ પોતાની ચાર વર્ષની પુત્રી માટે ફોર્મ ભર્યું હતું આ અંગેની જાણ કેટલાક જાગૃત નાગરિકોને થતાં તેઓને શંકા ગઈ હતી.
જયંતિભાઈ અને જૈમિનીબેન ફોર્મ ભરાવવાના બહાને રૂપિયા પડાવતા હોવાની માહિતી મળતા જ કેટલાક જાગૃત નાગરિકો મોડી સાંજે તેમના ઘરે પહોંચ્યા હતાં અને આ અંગે સવાલો પુછતા તેઓ યોગ્ય જવાબ આપી શકયા ન હતાં સરકારની યોજનામાંથી રૂપિયા પડાવવાના બહાને છેતરપીંડી આચરતા આ બંને વ્યક્તિઓ પર જાગૃત નાગરિકોએ આક્ષેપો કર્યાં હતા અને ઉગ્ર બોલાચાલી કરતા સમગ્ર એપાર્ટમેન્ટમાં ભારે હોબાળો મચી ગયો હતો.
આ દરમિયાનમાં આ અંગેની જાણ કષ્ણનગર પોલીસને કરવામાં આવી હતી પોલીસ અધિકારીઓ પણ સમગ્ર ઘટનાથી ચોકી ઉઠયા હતાં અને તાત્કાલિક રાજકમલ એપાર્ટમેન્ટમાં પહોંચી ગયા હતાં. પોલીસ આવતા જ લોકોએ આ બંને વ્યક્તિઓ સામે આક્ષેપો કર્યાં હતાં જેના પગલે પોલીસ અધિકારીઓએ જયંતિભાઈ અને જૈમિનીની પુછપરછ શરૂ કરી હતી સ્થાનિક નાગરિકોની પુછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા અઢી વર્ષથી પણ વધુ સમયથી આ બંને આવી રીતે ફોર્મ ભરાવી લોકો પાસેથી પૈસા પડાવતા હતાં આ દરમિયાનમાં આ બંને વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવા વિપુલભાઈ પટેલ આગળ આવ્યા હતા અને તેમણે આ બંને વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા કષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આ અંગેના પુરાવા એકત્ર કરવા માટે ઘરની પણ તપાસ કરી હોવાનું જાણવા મળી રહયું છે. આ ઉપરાંત વિપુલભાઈ પટેલે ભરેલા ફોર્મની વિગતો પણ મેળવવામાં આવી રહી છે આ બંને વ્યક્તિઓના છેતરપીંડીના ષડયંત્રમાં ભોગ બનેલા અન્ય નાગરિકો પાસેથી પણ પુરાવા એકત્ર કરવામાં આવી રહયા છે. આ સમગ્ર ઘટનાક્રમથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જાેવા મળી રહયો છે કષ્ણનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.