Western Times News

Gujarati News

નવરાત્રીની ઉજવણી અંગે આજે નિર્ણય

પ્રતિકાત્મક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના તમામ રાજયોના મુખ્યમંત્રી સાથે કોરોના સંદર્ભે વાતચીત કરશે

(પ્રતિનિધિ) અમદાવાદ: દેશ સહિત વિશ્વભરમાં સુપ્રસિધ્ધ ગરબા અને તેમાં પણ ગુજરાતની નવરાત્રીને લઈને લાખો યુવાન હૈયા અત્યારથી જ થનગનાટ અનુભવી રહયા છે. કોરોનાનું ગ્રહણ દરેક તહેવારો પર લાગ્યુ છે ત્યારે શક્તિના પર્વ એવા નવલા નોરતાને લઈને લેવામાં આવનારા નિર્ણય પર શ્રધ્ધાળુઓ- ભક્તોની મીટ મંડાઈ છે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવાના છે.

ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કોરોનાની સ્થિતિ સંદર્ભે માહિતી મેળવવાની સાથે સૌથી મોટા ધાર્મિક પર્વ નવરાત્રીને લઈને વિચારણા હાથ ધરશે. મોટેભાગે નવરાત્રીના આયોજન અંગે આજે જ નિર્ણય લેવાઈ જાય તેવી પૂરેપુરી શક્યતાઓ છે. અનલોક-૩માં કેન્દ્ર સરકાર અનેક પ્રકારની છૂટછાટ આપશે તે નિશ્ચિત મનાય છે.

ત્યારે કોઈ ચોક્કસ નીતિ- નિયમોને આધારે ગુજરાતમાં ગરબાના આયોજનને મર્યાદિત છૂટ મળે તેમ મનાય છે. વડાપ્રધાન દેશના તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરનાર છે. નોંધનીય છે કે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે તેથી નવરાત્રી પર્વને મુદ્દે વડાપ્રધાન મુખ્યમંત્રીના વિચારો જાણશે અને જરૂર જણાશે તો નવરાત્રી કઈ રીતે યોજવી તે અંગે માર્ગદર્શન આપશે તેવી ચર્ચા ઉઠી છે વળી આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સમક્ષ રજૂઆત માટે ગરબાના આયોજકો પહોંચવાના છે.

મુખ્યમંત્રી આયોજકો સાથે બેઠક યોજીને કોઈ મહત્વનો નિર્ણય લેશે અને તે અંગેની વાતચીત વડાપ્રધાન સાથે કરશે તેમ સંભાવના વ્યકત થઈ રહી છે. ગરબાના આયોજકો લીમીટેડ શ્રધ્ધાળુઓ સાથે ગરબા યોજાય તેવુ ઈચ્છી રહયા છે તેથી ગરબાનું આયોજન કેમ કરવુ તે અંગે વિશ્લેષણ આગામી દિવસોમાં કરાશે નવરાત્રીના પર્વના નવ દિવસ માત્ર ગરબા યોજાય છે તેવુ નથી લાખો ભક્તો માતાજીની ઉપાસના કરે છે.

કેટલાક ભક્તો તો નવ દિવસ નક્કોરડા ઉપવાસ કરીને અનુષ્ઠાન કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે નવરાત્રીના નવ દિવસના ઉપવાસ કરે છે તે વાત અગાઉ માધ્યમોમાં આવી ગઈ છે. ગુજરાતમાં નવરાત્રીનું માહત્મય ખૂબ જ છે નવ દિવસ સંપૂર્ણપણે ભક્તિમય વાતાવરણ સર્જાય છે.

ખાનગી પાર્ટી પ્લોટોમાં તો ગરબા યોજાય છે તેની સાથે સોસાયટી- ફલેટો- ફળિયા- પોળોમાં ગરબાનું આયોજન થાય છે.
મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ગરબે રમે છે આઠમ – નૌમના દિવસે માતાજીના નિવેદ્યનું વિશેષ મહત્વ હોય છે વડાપ્રધાન આ તમામ વાતોને જાણે છે પોતે પણ શક્તિના ઉપાસક છે તેથી આજે જયારે તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાતચીત કરશે ત્યારે નવરાત્રી અંગે વિશેષ માહિતી મેળવશે. બીજી તરફ મુખ્યમંત્રી પણ વડાપ્રધાનને ગરબા આયોજકના મુદ્દાઓને લઈને વિશ્લેષણ કરશે.

ગુજરાતમાં નવરાત્રીને લઈને અત્યારથી જ લોકોમાં ભારે ઈંતેજારી છે. નવરાત્રી યોજાશે કે કેમ ?? તેને લઈને યુવાનો પૃચ્છા કરી રહયા છે. અનલોક-૩ માં જાે આ નિર્ણય લેવામાં આવે તો ખેલૈયાઓને ગરબે ઘૂમવા અત્યારથી જ ગરબા શીખવા- કપડા સિવડાવવાનો સમય મળી રહે. ગરબાના ખાસ શોખીનો તો મહિના- બે મહિના પહેલાથી જ ગરબા શીખવા માટે જતા હોય છે. હજુ સુધી ગરબા શીખવાડનારા પ્રોફેશનલો પાસે કોઈ જતુ હોય તેવુ જણાયુ નથી કારણ કે કોરોનાને કારણે કેન્દ્ર અને રાજય સરકાર કેવો નિર્ણય લે છે તેના પર બધી બાબતનો આધાર છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી સાથે વાતચીત કરશે ત્યારે નવરાત્રી અંગે નિર્ણય લેવાઈ જાય તેવી પૂરેપુરી શક્યતાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.