કોરોનાને કાબુમાં લેવા ફ્રાન્સ સરકારની નવી યોજના: ટેસ્ટિંગ થશે તદ્દન મફત
નવી દિલ્હી, સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ફ્રાન્સે ટેસ્ટિંગની ઝડપ વધારવા એક મોટો નિર્ણય લીધો છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવર વેરને એક ખૂબ જ અગત્યની જાહેરાત કરી છે. તેમના કહેવા પ્રમાણે હવે કોરોનાનું ટેસ્ટિંગ તદ્દન મફતમાં થશે અને જેમણે પૈસા ચુકવીને ટેસ્ટ કરાવ્યો છે તેમને ટેસ્ટની ફી પાછી આપી દેવામાં આવશે. ફ્રાન્સ સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય દેશમાં કોરોનાના દર્દીઓને ઓળખીને મહામારી ફેલાતી અટકાવવાનો છે.
ઓલિવર વેરને જણાવ્યું કે, ‘મેં શનિવારે ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આજથી જો કોઈ ડોક્ટરની સલાહ વગર, લક્ષણો વગર કે મજબૂત કારણ વગર પીસીઆર ટેસ્ટ કરાવશે તો પણ તેને ટેસ્ટની સંપૂર્ણ ફી પાછી આપી દેવામાં આવશે.’ તે સિવાય સ્વાસ્થ્ય મંત્રીએ ફ્રાંસમાં વધી રહેલા કોવિડ દર્દીઓની સંખ્યા અંગે ભારે ચિંતા વ્યક્ત કરી હતી.
કોરોનાની બીજી લહેર ગણાવવું ઉતાવળ કહેવાશે. વધુમાં સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, ‘અમે હાલ સેકન્ડ વેવની વાત ન કરી શકીએ. પરંતુ એક વાત ચોક્કસ છે કે અમે પાછલા કેટલાક દિવસોમાં કેસની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ જોઈ છે જ્યારે સતત 13 સપ્તાહ સુધી કેસ ઘટી રહ્યા હતા.’ તેમણે યુવાનોને સાવધાન રહેવાની અને વાયરસને હળવાશથી ન લેવાની વિનંતી કરી હતી. ફ્રાંસીસી યુવા સામાજીક સમારંભોને ફરીથી શરૂ કરાવવા માંગે છે.
ફ્રાંસમાં અત્યાર સુધીમાં 1.80 લાખથી પણ વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. તેમાંથી 30,000 લોકો મૃત્યુ પામ્યા છે. ફ્રાંસમાં માર્ચ મહીનાની શરૂઆત બાદ કોરોનાના કેસની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ સંજોગોમાં ફ્રાંસ સરકાર વધુને વધુ લોકોની તપાસ કરાવવા માંગે છે અને તેના અનુસંધાને જ ટેસ્ટિંગ વધારવા આ નિર્ણય લેવાયો છે.