103 વર્ષના વડીલે કોરોનાને હંફાવ્યો, તાજેતરમાં જ કર્યા હતા 5મા લગ્ન
ચિત્રાલ, પાકિસ્તાનમાં કોરોનાના કારણે 2.74 લાખ જેટલા લોકો સંક્રમિત છે અને 5,842 લોકોના મોત થઈ ચુક્યા છે. જો કે પાકિસ્તાનના એક 103 વર્ષીય વડીલે કોરોના વાયરસને હરાવી દીધો છે. આ વડીલ વિશ્વમાં કોરોનાથી સંક્રમિત થઈને સાજા થઈ જનારા પ્રથમ આટલા ઉંમરલાયક વ્યક્તિ છે. ચોંકાવનારી વાત એ છે કે આ વડીલે તાજેતરમાં જ પાંચમી શાદી કરેલી છે. 103 વર્ષની ઉંમર ધરાવતા આ વડીલનું નામ અજીજ અબ્દુલ અલીમ છે. તેઓ કોરોનાથી સંક્રમિત થયા બાદ ફરી સાજા થઈ ગયા એના કારણે તેમના પરિવાર સહિત સમગ્ર દેશ આશ્ચર્યચકિત છે. ઉલ્લેખનીય છે કે આ ઉંમરે શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી થઈ જાય છે. જો કે તેમ છતા અજીજ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે.
અજીજને જુલાઈ મહીનાની શરૂઆતમાં કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આશરે ત્રણ સપ્તાહ બાદ અજીજ સંપૂર્ણપણે સ્વસ્થ થઈને ઘરે આવી ગયા છે. તેઓ પાકિસ્તાનના પહાડી વિસ્તારમાં આવેલા ચિત્રાલ જિલ્લાના રહેવાસી છે અને તેમનું ગામ ચીન, અફઘાનિસ્તાનની સરહદ પાસે આવેલું છે. અજીજના દીકરા, 50 વર્ષીય સોહેલ અહમદે જણાવ્યું કે જ્યારે અબ્બુ (પિતા)ને કોરોના થયો ત્યારે ઘરના બધા લોકો ડરી ગયા હતા. આ સમાચાર સાંભળીને માત્ર ગામ જ નહીં પણ દેશભરના લોકો પરેશાન થઈ ગયા હતા અને તેઓ બચશે તેવી કોઈ આશા નહોતી જણાતી. પરંતુ હવે તેઓ સાજા થઈને પાછા આવ્યા એટલે બધી ચિંતા ટળી ગઈ છે.
અજીજે જણાવ્યું કે તેમણે પોતાની 103 વર્ષની ઉંમરમાં અનેક પ્રકારની સમસ્યા જોઈ છે અને માત્ર એક વાયરસ તેમનું કાંઈ ન બગાડી શકે કે ન તેમને ડરાવી શકે. ડોક્ટર્સે અજીજને સાજા થયા બાદ હોસ્પિટલથી ઘરે જઈને બધાથી દૂર રહેવાની સલાહ આપી હતી પરંતુ તેમણે તેનું પાલન કરવાની મનાઈ કરી દીધી હતી. તેમના કહેવા પ્રમાણે તેઓ પોતાના પરિવારના સદસ્યો સાથે જ રહેશે અને કોઈથી અલગ કે દૂર રહેવાનો સવાલ જ નથી સર્જાતો. અજીજે 70 વર્ષ સુધી લાકડાનો વેપાર કરેલો છે. તેઓ પોતાની ત્રણ પત્નીઓ, 9 દીકરા અને એક દીકરી સાથે ગામમાં રહે છે. તેમણે તાજેતરમાં જ પોતાની ચોથી પત્નીને તલાક આપીને પાંચમી શાદી કરી હતી. આગા ખાન હેલ્થ સર્વિસ ઈમરજન્સી સેન્ટરના વરિષ્ઠ ડોક્ટર શરદ નવાજના કહેવા પ્રમાણે અજીજ ખૂબ જ બહાદુર વ્યક્તિ છે. તેમણે સંપૂર્ણ સારવાર દરમિયાન ડોક્ટરની બધી વાત માનીને દવાઓનું નિયમિત સેવન કર્યું હતું.