સોલામાં લગ્નનાં ૧૩ વર્ષ બાદ પતિએ દહેજમાં ૫ કરોડ, બંગલો અને કાર માંગતા ફરીયાદ
શહેરના એક પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે, લગ્ન બાદ તેના પતિએ અમેરીકા જવાનું થતા સિંગલ પર્સન વિઝા પ્રોસેસ કરાવવાની હતી. આ પ્રોસેસમાં ફાયદો થાય તે માટે ઓન પેપર છૂટાછેડાના કાગળો કર્યા હતા. બાદમાં યુવતી તેના પતિ સાથે જ રહેતી હતી. પણ આ વિઝા ન મળતા ફરી કોર્ટ મેરેજ કરીને તેઓ સાથે રહેવા લાગ્યા હતા. ત્યારબાદ પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધો બંધાતા પત્નીને જાણ થઈ હતી અને સંસાર ભાંગી પડ્યો હતો. પતિ પાંચ કરોડ, બંગલો અને ગાડી માંગી પત્નીને સાસરે આવવા ન દેતા આખરે યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.
સાયન્સ સિટી રોડ પર એક બંગલોમાં રહેતી ૩૬ વર્ષીય યુવતીના લગ્ન ૧૪ વર્ષ પહેલા થયા હતા. લગ્નના એક વર્ષ બાદ તેના પતિને અમેરીકા જવાનું થતા સિંગલ પર્સન વિઝા પ્રોસેસ કરાવવાની હતી. આ પ્રોસેસમાં ફાયદો થાય તે માટે ઓન પેપર છૂટાછેડા ના કાગળો કર્યા હતા. બાદમાં યુવતી તેના પતિ સાથે જ રહેતી હતી. પણ આ વિઝા ન મળતા ફરી કોર્ટ મેરેજ કરીને તેઓ સાથે રહેવા લાગ્યા હતા. બાદમાં તેમના ઘરે સંતાન આવ્યું પણ તેના ઘણા સમય બાદ પતિને અન્ય સ્ત્રી સાથે સબંધ હોવાનું સામે આવ્યું હતું.
જેથી આ યુવતીએ તેના પતિને સમજાવી અન્ય સ્ત્રી સાથે સબંધ ન રાખવા કહેતા તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને અવારનવાર છૂટાછેડાની માંગણી કરતો હતો. પત્નીને કાઢી મૂકયા બાદ ફોન પર તે છૂટાછેડા જ માંગતો હતો. યુવતીને પાછું આવવું હોય તો બંગલો, ગાડી અને પાંચ કરોડ તેના ઘરેથી લેતી આવે તેમ કહી ત્રાસ આપતો હતો.
એક દિવસ યુવતી તેના સાસરે ગઈ તો તેની સાસુએ તેને આવવા દીધી ન હતી અને આવવું હોય તો પિયરમાંથી નાણાં લઈ આવે અને પાછી
લાવવાની નથી તેમ યુવતીના પતિને કહ્યું હતું. યુવતીના પતિએ સસરા પાસે માંગીને લીધેલા ૨૩ લાખ પરત ન આપી ત્રાસ ગુજારી ઘરમાં ન રાખી કાઢી મુકતા આખરે યુવતીએ પતિ સામે ફરિયાદ નોંધાવતા સોલા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.