Western Times News

Gujarati News

પોશ વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી કરતા બુટલેગરની ધરપકડ

અમદાવાદ: શહેરના સોલા, થલતેજ અને આસપાસના પોશ વિસ્તારમાં ઊંચી બ્રાન્ડના મોંઘા દારૂની હોમ ડિલિવરી કરતાં બુટલેગરની સોલા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૪.૪૫ લાખની મોંઘા દારૂની ૧૨૦ બોટલો કબ્જે કરી હતી. આરોપીએ દારૂ મુકવા ગોતામાં મકાન ભાડે રાખ્યું હતું.

સોલા પોલીસને બાતમી મળી હતી કે, સોલા સાયન્સ સીટી રોડ પર રહેતો કમલેશ પટેલ દારૂની હોમ ડિલિવરી કરે છે અને ગોતામાં વીર સાવરકર હાઇટ્‌સના મકાનમાં દારૂ છુપાવ્યો છે જેના આધારે વોચ ગોઠવતા એક મોપેડ પર કમલેશ આવતા તેને ઝડપી લીધો હતો.

પૂછપરછ કરતા મકાનમાં દારૂ છુપાવ્યો હોવાનું કહેતા પોલીસે મકાનમાં તપાસ કરી હતી. અલગ અલગ બ્રાન્ડની દારૂની એક બોટલની રૂ. ૨૦૦૦થી લઇ ૫૫૦૦ સુધીની કુલ ૧૧૭ અને ડેકીમાંથી ૩ બોટલ મળી કુલ ૧૨૦ બોટલો રૂ. ૪.૪૫ લાખની મળી આવી હતી. સોલા અને આસપાસના વિસ્તારોમાં હોમ ડિલિવરી કરતો હતો. સોલા પોલીસે કુલ ૪.૮૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી કોને કોને દારૂ સપ્લાય કરતો હતો અને દારૂ ક્યાંથી લાવ્યો હતો તેની તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં અનલોકમાં અપાયેલી છુટછાટનો લાભ ઉઠાવવા અસામાજિક તત્વો સક્રિય બની ગયા છે ખાસ કરીને બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી શરૂ કરવામાં આવતા જ પોલીસતંત્ર સક્રિય બન્યુ છે શહેરમાં દારૂ જુગારની બદીને ડામી દેવા માટે વ્યાપક દરોડા પાડવામાં આવી રહયા છે જેના પગલે હવે બુટલેગરોએ હોમ ડિલિવરી શરૂ કરી છે શહેરના પોશ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં આ દુષણ ચાલી રહયુ છે શહેરમાં રાત્રિ કફર્યુના અમલ વચ્ચે દારૂની હેરાફેરી બુટલેગરો કરી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.