અમદાવાદમાં ર૦૧૯ની સાલમાં ભુવા રીપેરીંગ માટે રુ .ર.૮૯ કરોડનું આંધણ થયુ
બહેરામપુરા- ખોડીયાનગરમાં ભુવા વચ્ચે રોડ બન્યા હોય તેવી સ્થિતિ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરના નાગરીકો માટે ચોમાસાની સીઝન હંમેશા પીડાદાયક રહે છે. તુટેલા રોડ, ભુવા અને રોગચાળા વચ્ચે નાગરીકો ચોમાસાની સીઝનનો આનંદ પણ માણી શકતા નથી. ખાસ કરીને તૂટેલા રોડ અને ભુવા આ શહેરની આગવી ઓળખ બની ગયા છે. સામાન્ય વરસાદમાં પણ મહાકાય ભુવા પડે છે. મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા તેને સેટલમેન્ટ કે બ્રેકડાઉનનું નામ આપવામાં આવ્યુ છે.
મ્યુનિ. તંત્ર દ્વારા રોડ બનાવવા માટે જે ખર્ચ થાય છે તે બધો ખર્ચ “ભુવા”માં ગરકાવ થઈ જાય છે. જયારે ભુવા ના રીપેરીંગ માટે પણ નવેસરથી કરોડો રૂપિયા ખર્ચ થાય છે. ઈજનેર અધિકારીઓ અને કોન્ટ્રાકટરો વચ્ચે મજબુત સાંઠગાંઠ હોવાના રોડ અને ભુવા ના કામ બારે મહીના ચાલી રહયા છે. સ્માર્ટ સીટીમાં ર૦૧૯ના વર્ષમાં ૬૬ ભુવા પડયા હતા જેના રીપેરીંગ માટે લગભગ રૂા.ત્રણ કરોડનો ખર્ચ થયો હતો.
વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદને “ભુવા નગરી” તરીકે પણ ઓળખવામાં આવે છે. શહેરમાં કોઈપણ સીઝનમાં ભુવા પડવા સામાન્ય બાબત બની ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા રોડ ગમે તે સમયે દસથી પંદર ફુટ ઉંડા ખાડામાં પરિવર્તીત થઈ જાય છે.
બહેરામપુરાના ખોડીયારનગર વિસ્તારમાં તો ભુવા વચ્ચે થોડો ઘણો રોડ બનાવવામાં આવ્યો હોય તેવી પરિસ્થિતિ જાેવા મળે છે. અમદાવાદ શહેરમાં છેલ્લા આઠ વર્ષ દરમ્યાન ૪૮પ કરતા વધુ ભવા પડ્યા છે. જયારે ર૦૧૯ની સાલમાં ૬૬ ભુવા પડયા હતા. જેના રીપેરીંગ માટે રૂા.ર.૮૯ કરોડનો ખર્ચ થયો હતો. શહેરના મધ્યઝોનમાં દસ ભુવા પડયા હતા જયારે દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૧૯ ભુવા, પશ્ચિમ ઝોનમાં ૦પ, ઉત્તર ઝોનમાં ૦૪, પૂર્વઝોનમાં ૧૩, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૦૯ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૦૬ ભુવા પડયા હતા.
જે પૈકી દક્ષિણ ઝોનમાં ભુવા રીપેરીંગ માટે સૌથી વધુ રૂા.૧.૦૯ કરોડનો ખર્ચ થયો હતો. ઝોનના મણીનગર અને બહેરામપુરા વોર્ડમાં ચાર-
ચાર ભુવા પડયા હતા. જયારે લાંભા વોર્ડમાં સૌથી વધુ ૦પ ભુવા પડયા હતા. લાંભા વોર્ડમાં ભુવા રીપેરીંગ માટે રૂા.પ૧.૪ર લાખ, મણીનગર વોર્ડમાં રૂા.ર૭.ર૯ લાખ તથા બહેરામપુરા વોર્ડમાં રૂા.૪ લાખનો ખર્ચ થયો હતો.
મધ્યઝોનમાં દસ ભુવા મરામત માટે રૂા.ર૦.૭પ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ ઝોનના પાંચ ભુવા રીપેરીંગ માટે રૂા.૩૦૭૬ લાખનો ખર્ચ થયો હતો. જેમાં નારણપુરાના શાસ્ત્રીનગર પાસે ૧૩ર ફીટ રીંગ રોડ પરના ભુવા રીપેરીંગ માટે રૂા.૯.ર૬ લાખ તથા નવા વાડજ વિસ્તારમાં હરીઓમનગર પાસે પડેલા ભુવા ના રીપેરીંગ પેટે રૂા.૯ લાખ ખર્ચ થયા હતા. ઉત્તર ઝોનમાં માત્ર ચાર ભુવા પડયા હતા. પરંતુ તેના રીપેરીંગ માટે રૂા.ર૩.૪૦ લાખ ખર્ચ કરવામાં આવ્યા હતા. જેમાં જય અંબે બેકરી- નરોડા પાસે પડેલા ભુવા ના રીપેરીંગ માટે રૂા.૯.૦૩ લાખનું આંધણ થયુ હતું.
ર૦૧૯ના વર્ષ દરમ્યાન પુર્વ ઝોનમાં ૧૩ સ્થળે ભુવા પડયા હતા. ભાઈપુરા વોર્ડમાં સૌથી વધુ ૦૬ સ્થળે ભુવા પડ્યા હતા. પૂર્વ ઝોનના ૧૩ ભુવા ને ઠીક કરવા માટે રૂા.૬૧.૭૪ લાખનો ખર્ચ થયો હતો. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૦૯ સ્થળે ભુવા કે બ્રેક ડાઉન થયા હતા. બોડકદેવ વોર્ડમાં ૦૬ ભુવા પડયા હતા. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ભુવા મરામત માટે રૂા.ર૯.૧૩ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. શહેરના દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં ગત વરસે ૦૬ ભુવા પડયા હતા. જેના માટે રૂા.૧૪.૮૪ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
જેમાં જાેધપુર વોર્ડમાં શ્યામલ ચાર રસ્તા પાસેનો ભુવો રૂા.પ.૩૯ લાખનો પડયો હતો. ર૦૧૯ના વર્ષમાં લાંભાના ભુવા મોઘા પડયા હતા. લાંભા વોર્ડમાં કોમલ ફેકટરી પાસેના ભુવા માટે રૂા.૧૪.૪૩ લાખ, પ્રભુનગર પાસેના ભુવા માટે રૂા.૧૮.૬૭ લાખ તથા તીર્થભૂમિ સોસાયટી પાસે થયેલ ભુવા ના રીપેરીંગ ખર્ચ માટે રૂા.૧૧.૯૦ લાખ ખર્ચ થયા હતા.
લાંભા વોર્ડમાં ફેકટરીઓ દ્વારા કેમીકલયુક્ત એસીડીક પાણી ડ્રેનેજ લાઈનોમાં છોડવામાં આવી રહયુ હોવાની વ્યાપક ફરીયાદો છે. આ ફરિયાદોના નિકાલ થયા ન હોવાથી ડ્રેનેજ લાઈનોમાં ભંગાણ થઈ જાય છે. અત્રે નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં ર૦૧૩થી ર૦ર૦ (૧પ જુલાઈ) સુધી ૪૮પ ભુવા પડયા છે. શહેરમાં એક ભુવા ના રીપેરીંગ માટે સરેરાશ રૂા.પાંચ લાખનો ખર્ચ થાય છે. ભુવા રીપેરીંગના કામ ઝડપથી કરવાના હોવાથી તેમાં કોઈ જ ટેન્ડર પ્રક્રિયા થતી નથી તથા કામ થઈ ગયા પછી કમીટી સમક્ષ માત્ર “જાણ” માટે જ મુકવામાં આવતા હોય છે. તેથી રીપેરીંગ ખર્ચમાં પણ ગેરરીતિની શક્યતા નકારી શકાય તેમ નથી.
શહેરમાં ભુવા પડવા માટે રોડ કામમાં થયેલ બેદરકારીને કારણરૂપ માનવામાં આવે છે. જયારે ઈજનેર વિભાગ તેને ડ્રેનેજ બ્રેકડાઉન માની રહયુ છે. તેથી આ મામલે સીટી ઈજનેર (વો.રી.મે.) એન.કે. મોદીની સીધી જવાબદારી બને છે. જેના કારણે જ તેઓ સંખ્યા ઓછી દર્શાવવા માટે ભુવા નું અલગ અલગ વર્ગીકરણ કરે છે તેમ જાણકારો જણાવી રહયા છે.