ફ્રાંસથી ભારત આવતાં રાફેલમાં એર ટુ એર રિફ્યુલિંગ થયું

નવી દિલ્હી, ફ્રાંસથી પાંચ રાફેલ જેટ ભારત આવવા માટે સોમવારે નીકળી ગયા છે. પાંચેય જેટ બુધવારે હરિયાણાના અંબાલા એરબેઝ ખાતે આવી પહોંચશે. આ દરમિયાન ફ્રાંસ ખાતેની ભારતી એમ્બેસી તરફથી રાફેલની સુંદર તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે 30 હજાર ફૂટની ઊંચાઈએ હવામાં જ રાફેલ જેટમાં ફ્યૂઅલ ભરવામાં આવી રહ્યું છે. બીજી તરફ અંબાલા એરબેઝ ખાતે રાફેલના સ્વાગત માટે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાફેલના આવવાથી ઇન્ડિયન એરફોર્સની તાકાતમાં વધારો થશે.
હરકીરતસિંહ રાફેલના પ્રથમ કમાન્ડિંગ ઑફિસર હશે : સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાફેલ સ્ક્વૉડ્રનના પ્રથમ કમાન્ડિંગ ઑફિસર ગ્રુપ કેપ્ટન હરકીરતસિંહ હશે. ગ્રુપ કેપ્ટન હરકીરતસિંહ ભારતના એવા પાયલટમાં સામેલ છે, જેઓ ફ્રાંસમાંથી રાફેલને ઉડાવીને ભારત લાવી રહ્યા છે. હરકીરતસિંહ મિગ અને સુખોઈ વિમાન ઉડાવી ચૂક્યા છે. વર્ષ 2009માં ગ્રુપ કેપ્ટન હરકીરતસિંહને બહાદુરી માટે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.