દીકરો બિમાર થતાં એક માતા 1800 કિલોમીટર સ્કૂટી ચલાવી છેક ઝારખંડ પહોંચી
ઝારખંડ, કોરોના વાયરસના કારણે લાગુ થયેલા લોકડાઉન વચ્ચે એક મહિલા પોતાના બિમાર પુત્રને મળવા માટે ટુ-વ્હીલરમાં મહારાષ્ટ્રથી ઝારખંડ ગઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, 26 વર્ષીય બેરોજગાર મહિલા લોકડાઉન દરમિયાન પુનાથી જમશેદપુર ગઈ હતી. કદમાના ભાટિયા ટાઉનશીપમાં રહેતી સોનિયા દાસ તેની મિત્ર સાબિયા બાનો સાથે શુક્રવારે સાંજે પુનાથી 1,800 કિલોમીટરનો પ્રવાસ કરી જમશેદપુર પહોંચી હતી. સોમવારે સવારે તેના પતિએ જણાવ્યું કે તેમના પુત્રને તાવ છે. બંને શુક્રવારે જમશેદપુર પહોંચ્યા હતા અને ત્યાં પહોંચ્યાની સાથે જ તેમનો કોવિડ ટેસ્ટ થયો હતો. જમશેદપુરના ડીએસપી (હેડ ક્વાર્ટર II) અરવિંદ કુમારે કહ્યું, ‘અમે તેમને એન્ટિજેન ટેસ્ટ કરાવવા જણાવ્યું. નેગેટિવ હોવાનું જાણવા મળ્યા બાદ તેને ક્વોરન્ટાઈન રહેવા જણાવ્યું હતું. સોનિયાએ કહ્યું કે તેમણે ટ્વિટ દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડની સરકારની મદદ માંગી, પરંતુ કોઈ આશા ન હોવાથી તેણે ટુ વ્હીલર (સ્કૂટર) દ્વારા આવવાનું નક્કી કર્યું.
સોનિયાએ કહ્યું, ટાટાનગર અને પુણે અથવા મુંબઇ વચ્ચે કોઈ પેસેન્જર ટ્રેન નથી અને અમારી પાસે એર ટિકિટ ખરીદવા માટે પૈસા નહોતા. તેમણે કહ્યું, સરકાર તરફથી કોઈ મદદ ન મળવાને કારણે મેં ગાડી ચલાવવાનું નક્કી કર્યું કારણ કે હું મારા દીકરા માટે ખૂબ ચિંતિત હતી. સોનિયાએ એમ પણ કહ્યું હતું કે, ટેલ્કો ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ખસેડતા પહેલા મેં શુક્રવારે સાંજે મારી મિત્ર સાબિયા સાથે બાલ્કનીમાંથી મારા પુત્ર અને પરિવારના અન્ય સભ્યોને જોયા. સોનિયા મુંબઇમાં એક પ્રોડક્શન હાઉસમાં કામ કરતી હતી અને લોકડાઉન દરમિયાન તેની નોકરી છુટી ગઈ હતી. મકાનનું ભાડુ ચૂકવી ન શકવાના કારણે તેને મુંબઇના ભાડાના મકાનમાંથી હાંકી કાઢવામાં આવી હતી. આ પછી તે પૂનામાં સબિયાના ઘરે આવી હતી. સોનિયાએ જણાવ્યું કે, 1800 કિલોમીટરની સફરમાં તે દસ પેટ્રોલ પમ્પ અને ત્રણ ઢાબા પર રોકાઈ ગઈ.