પશ્ચિમ બંગાળમાં 31મી ઓગસ્ટ સુધી અઠવાડિયામાં બે દિવસ લૉકડાઉનઃ બકરાઈદ પર કોઈ પ્રતિબંધ નહીં
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસની સરકારે રાજ્યમાં બે દિવસ લૉકડાઉનને 31મી ઓગસ્ટ સુધી વધારી દીધું છે. બંગાળમાં અઠવાડિયામાં બે દિવસ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે. આ લૉકડાઉન 31મી ઓગસ્ટ, 2020 સુધી રહેશે. જ્યારે ઓગસ્ટ મહિનામાં જ આવી રહેલા બકરી ઇદના તહેવારને ધ્યાનમાં રાખીને મમતાએ આદેશ આપ્યો છે કે આ દિવસે રાજ્યમાં કોઈ પ્રતિબંધ નહીં લાગે.
મમતા બેનરજીએ મંગળવારે કહ્યુ કે અમે બાકી રહેલા જુલાઇ મહિનામાં અને આખા ઓગસ્ટ મહિનામાં રવિવારે સંપૂર્ણ લૉકડાઉન લગાવવાનું નક્કી કર્યું છે. મમતાએ કહ્યું કે આ ઉપરાંત અઠવાડિયામાં એક દિવસનું વધુ લૉકડાઉન લગાવવામાં આવશે. આ અંગે મમતા બેનરજીએ કહ્યુ કે કાલે એટલે કે 29મી જુલાઇ ઉપરાંત 2, 5, 8-9, 16-17, 23-24 અને 31 ઓગસ્ટના રોજ સંપૂર્ણ લૉકડાઉન રહેશે. નોંધનીય છે કે બંગાળમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 60 હજારને પાર થઈ ગઈ છે. જ્યારે 1,400થી વધારે લોકોનાં મોત થયા છે.