Western Times News

Gujarati News

સરકારે નવરાત્રીમાં ગરબા કરવાની પરમિશન ન આપી

Files Photo

અમદાવાદ: અમદાવાદઃ નવરાત્રિને હજુ અઢી મહિનાની વાર છે, પરંતુ હાલની સ્થિતિમાં રાજ્યમાં કૂદકેને ભૂસકે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે, તેને જોતા આ વર્ષે ગરબા યોજાશે કે કેમ તે સવાલ ઉભો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગરબાના આયોજકો સીએમને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. જોકે, સરકારે તેમને હાલની સ્થિતિને જોતા અત્યારથી પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્‌સ મુજબ કોરોના વાયરસની સ્થિતિ વચ્ચે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનું ગરબાનું આયોજન કરતું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી વિજય રુપાણીને મળવા માટે પહોંચ્યું હતું, અને તેમની સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ગરબા આયોજકોએ આ મોટા તહેવાર સાથે ઘણાં લોકોની રોજગારી જોડાયેલી હોવાથી તેનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

મહત્વનું છે કે, ગરબાના વિવિધ કાર્યક્રમો જેવા કે ઓર્કેસ્ટ્રા પાર્ટી, ગાયકો, મંચની સજાવટ વગેરે માટે ૨-૩ મહિના પહેલાથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવતી હોય છે. જેના માટે ઓર્ડર પણ બૂક કરી લેવામાં આવતા હોય છે આવામાં મંજૂરી માગવા માટે ગયેલા પ્રતિનિધિ મંડળને ગરબાના આયોજન અંગે સરકાર ફરી એકવાર વિચારણા કરશે તેમ જણાવવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં કોરોનાની સ્થિતિને જોતા જો તે ઓગસ્ટ મહિનાના અંતમાં તેમાં સુધારા તરફ આગળ વધે તો આ દિશામાં મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે.

એટલે કે આ મુદ્દા પર ઓગસ્ટના અંતમાં ચર્ચા વિચારણા કરીને કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે તેવી સંભાવનાઓ પણ વ્યકત કરાઈ રહી છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેવામાં કોરોનાની સ્થિતિ કેવી રહે છે તે તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને આ અંગે આગળ મહત્વનો નિર્ણય કરવામાં આવી શકે છે. સરકાર શું નિર્ણય લે છે તેના પર ઓર્કેસ્ટ્રા પાર્ટી, ગાયકો, મંડપ ડેકોરેશન વગેરે નવરાત્રિ સાથે સંકળાયેલા લોકો આશા રાખીને બેઠા છે કે, કોરોનાની સ્થિતિ કાબૂમાં આવે જેથી રાજ્યમાં મહત્વના નવરાત્રિ તહેવારનું આયોજન કરવામાં મુશ્કેલી ના ઉભી થાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.