Western Times News

Gujarati News

મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી આજે રાજકોટ-વડોદરાની એક દિવસીય મુલાકાતે

બેય શહેર-જિલ્લામાં કોરોના સંક્રમણ-નિયંત્રણની સ્થિતીની ઉચ્ચસ્તરીય  સમીક્ષા બેઠકોનું આયોજન-તંત્રવાહકોનું માર્ગદર્શન કરશે

મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ સચિવો પણ સાથે જોડાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સાથે બુધવાર તા. ર૯ જુલાઇએ રાજકોટ અને વડોદરાની કોરોના સંક્રમણ નિયંત્રણની સમીક્ષા માટે એક દિવસીય મુલાકાત લેશે.  તેઓ બુધવાર સવારે ૧૦-૩૦ કલાકે રાજકોટ પહોચીને રાજકોટ શહેર તેમજ ગ્રામીણ ક્ષેત્રની કોરોના કોવિડ-૧૯ની સ્થિતી સંદર્ભમાં કલેકટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડી.ડી.ઓ તેમજ શહેર પોલીસ કમિશનરશ્રી સાથે સમીક્ષા બેઠક યોજશે.

મુખ્યમંત્રીશ્રી – નાયબ મુખ્યમંત્રીશ્રી ત્યારબાદ સાંસદશ્રીઓ, ધારાસભ્યો અને રાજકોટના મેયર તથા મહાપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજવાના છે.  શ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રી નીતિનભાઇ પટેલ રાજકોટ બ્રાન્ચના અગ્રણી તબીબો અને રાજય સરકારના મહત્વપૂર્ણ ડૉકટરો સાથે પણ મિટીંગ કરવાના છે.

તેઓ ત્યારબાદ રાજકોટમાં મિડીયા બ્રિફીંગ કરશે અને બપોર બાદ વડોદરા જવા રવાના થશે.  મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે રાજકોટ-વડોદરાની આ સમીક્ષા મુલાકાતમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ પણ જોડાવાના છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી-નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને આ વરિષ્ઠ અધિકારીઓ સાથે બપોર બાદ ૩-૦૦ વાગ્યે વડોદરા પહોચશે.  તેઓ વડોદરામાં પણ શહેર અને ગ્રામીણ ક્ષેત્રની કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતીની સમીક્ષા માટે જિલ્લાના શહેરી અને વહિવટીતંત્ર-પંચાયત-પોલીસતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજશે.

મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી વડોદરા શહેર જિલ્લાના વિધાયકો, મહાનગરપાલિકાના મેયર અને પદાધિકારીઓ તેમજ વડોદરા બ્રાન્ચના અગ્રણી તબીબો સાથે તબક્કાવાર બેઠક યોજી સ્થિતીની વિગતો મેળવી માર્ગદર્શન આપવાના છે. વડોદરામાં બેઠકોની શૃંખલા પૂર્ણ કરીને મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી મિડીયા બ્રિફીંગ કરશે અને ત્યારબાદ ગાંધીનગર પરત આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.