થલતેજમાં નકલી ચલણી નોટો છાપવાના ષડયંત્રનો પર્દાફાશ
ઘરમાંથી નોટો છાપવાનું પ્રિન્ટર તથા રૂા.પ૦૦ અને રૂા.ર૦૦ ના દરની નકલી નોટોનો જથ્થો જપ્ત
(પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમાં કોરોના વાયરસના પગલે લોકડાઉન બાદ અનલોકમાં કેટલીક છુટછાટો આપવામાં આવી છે આ છુટછાટોમાં અસામાજીક તત્વો ગેરલાભ ઉઠાવી રહયા છે. લોકડાઉનના કારણે તમામ ધંધા રોજગારો બંધ થઈ ગયા હતા જેના પરિણામે દેશના અર્થતંત્ર પર વ્યાપક અસર પડી હતી પરંતુ અનલોકમાં છુટછાટો આપતા ધંધારોજગાર પુનઃ ધબકતા થયા છે.
પરંતુ આ પરિસ્થિતિમાં અર્થતંત્રને નુકસાન કરવા પાડોશી દેશો તથા દેશવિરોધી તત્વો સક્રિય બન્યા છે. ખાસ કરીને નકલી ચલણી નોટો બજારમાં ઘુસાડવાની મોડસ ઓપરેન્ડી ફરી એક વખત બહાર આવી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી નકલી ચલણી નોટો બજારમાં ફરતી થઈ હોવાની વિગતો પ્રાપ્ત થતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને આ અંગે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અને ઝડપથી તપાસ કરી સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવા જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી.
જેમાં શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા બે પિતરાઈ ભાઈઓ નકલી ચલણી નોટો છાપી તેને બજારમાં ફરતી કરવાનું ષડયંત્ર ચલાવતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે ક્રાઈમબ્રાંચની ટીમોએ ભારે સાવચેતીપૂર્વક તપાસ કરી વોચ ગોઠવ્યા બાદ મોડીરાત્રે આ બંને યુવકોના નિવાસસ્થાને રેડ પાડતાં અંદરનું દ્રશ્ય જાેઈ તેઓ ચોંકી ઉઠયા હતાં.
આ બંને પિતરાઈ ભાઈઓ ઘરમાં જ પ્રિન્ટર તથા અન્ય મશીનરીના ઉપયોગથી રૂા.ર૦૦ તથા પ૦૦ની નકલી નોટો છાપતા જાેવા મળ્યા હતાં ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ ઘરમાંથી અંદાજે ૩ લાખની કિંમતની ચલણી નોટો જપ્ત કરી છે અને બંનેને ક્રાઈમબ્રાંચની ઓફિસે લઈ જઈ પુછપરછ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. બંને ભાઈઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ઘરમાંથી પ્રિન્ટર સહિતની સામગ્રી તથા રૂા.ર૦૦ તથા પ૦૦ની છાપેલી નોટો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
દેશ વિરોધી આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં નકલી નોટો ફરી રહી હોવાની વિગતો ક્રાઈમબ્રાંચને મળી હતી જેના પગલે ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ ગુપ્તરાહે આ અંગેની તપાસ શરૂ કરી હતી.
જેમાં સમગ્ર ઘટનામાં થલતેજ વિસ્તારમાંથી બે શખ્સો આ સમગ્ર ષડયંત્ર ચલાવી રહયા હોવાની વિગતો મળી હતી દેશ વિરોધી આ ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે ગઈકાલથી ક્રાઈમબ્રાંચની જુદી જુદી ટીમોએ થલતેજ વિસ્તારમાં વોચ ગોઠવી હતી
આ દરમિયાનમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચના પીએસઆઈ વી.એન. ભરવાડ પોતાની ટીમ સાથે મંગળવારે થલતેજ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહયા હતા. ત્યારે એક મોટર સાયકલ ઉપર નકલી નોટોના જથ્થા સાથે બે ઈસમો થલતેજ ગામ થઈ શીલજ તરફ જવાના હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પીએસઆઈ ભરવાડ રાત્રે આઠ વાગ્યાના સુમારે તેમની ટીમ સાથે થલતેજ પોલીસ ચોકી નજીક ચાર માળીયા મકાનો આગળ વોચમાં ગોઠવાયા હતા આશરે સાડા આઠ વાગ્યાના સુમારે માહીતી મુજબની મોટર સાયકલ આવતા જ તેને કોર્ડન કરી લેવાઈ હતી.
બે ઈસમોની પુછપરછ કરતાં તેમણે પોતાના નામ ઉદય રમેશભાઈ પ્રજાપતિ (ઉ.વ.ર૩) તથા મીત મહેશભાઈ પ્રજાપતિ (ઉ.રર) (બંને મૂળ વતન- વારાહી ગામ. પાટલા હાલમાં અંજય એપાર્ટમેન્ટ, ભાઈકાકાનગર થલતેજ) હોવાનું કહયું હતું. ઉદય તથા મીતની તપાસ કરતા તેમના ખિસ્સામાંથી ર૦૦ તથા પ૦૦ના દરની કુલ ર૦૪ નકલી નોટો મળી આવી હતી જેથી પોલીસ પુછપરછમાં વધુ જથ્થો તેમના ઘરે હોવાનું ખુલતા બંનેને અંજય એપાર્ટમેન્ટ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને મકાનમાં જાેતા ક્રાઈમબ્રાંચની ટીમ પણ ચોંકી ઉઠી હતી. રૂમમાંથી તેમને નકલી નોટો છાપવા માટેનું આખુ સેટઅપ મળી આવ્યું હતું.
કલર પ્રિન્ટર, કટર ફુટપટ્ટી જેવા સાધનો મળી આવ્યા હતા ઉપરાંત એક કપડાની થેલી જાેતા તેમાં એ-૪ સાઈઝના કાગળો ઉપર ર૦૦૦ તથા પ૦૦ના દરની નોટો છપાયેલી હતી. જેને કટીંગ કરવાની બાકી હતી. આ ઘટના બાદ તુરંત જ ઉદય તથા મીતને નકલી નોટો છાપવાના સામાન સાથે ક્રાઈમબ્રાંચની ઓફીસે હવેલી ખાતે લવાયા હતા.
આ બંને ભાઈઓની પ્રાથમિક પુછપરછમાં તે પોતાના આર્થિક ફાયદા માટે નોટો છાપતાં હોવાનું કબુલ કર્યું હતું જાેકે બંને આ નકલી નોટો છાપવાનો આઈડીયા કઈ રીતે આવ્યો ? હાલ સુધી કેટલી નોટો છાપી છે ? કેટલી વટાવી છે ? અન્ય કોઈને નોટો વટાવવા આપી હતી કે કેમ ઉપરાંત બંને સાથે નકલી નોટો બનાવીને બજારમાં ફરતુ કરવાના આ દેશ વિરોધી ષડયંત્રમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ એ દિશામાં પ્રયત્નો હાથ ધર્યા છે.
તપાસ દરમિયાન તેમની પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પણ મળી આવતા પોલીસે બંને ભાઈઓ દારૂના ધંધામાં પણ સામેલ છે કે નહી એ તરફ તપાસ આગળ વધારી છે નકલી નાણું બજારમાં ફરતું કરવાની ઘટના બહાર આવતા સમગ્ર તંત્ર ચોંકી ઉઠયુ છે.