બિગ બાૅસના ઘરમાં હવે ‘નાગિન’ જાેવા મળશે !
સૌથી વિવાદાસ્પદ અને કલર્સનો જાણીતો રિયલિટી શો ‘બિગ બાૅસ’ ટૂંક સમયમાં પાછો આવવાનો છે. આ વખતે ‘બિગ બાૅસ’ની ૧૪મી સીઝન હશે અને એના સ્પર્ધકો કોણ-કોણ હશે એ જાણવા માટે ફૅન્સ આતુર છે. ‘બિગ બાૅસ’ની ૧૩મી સીઝનનો વિજેતા સિદ્ધાર્થ શુક્લા અને બાકીના સ્પર્ધકો હજી પણ ચર્ચામાં છે. ‘બિગ બાૅસ-૧૪’ લાૅકડાઉન એડિશન માટે પણ અનેક કલાકારોનો સંપર્ક કરવામાં આવ્યો છે, જેમાંથી ‘નામકરણ’ ફેમ નલિની નેગી અને ‘નાગિન ૪’ ફેમ જાસ્મિન ભસીનનાં નામ ફાઇનલ થઈ ગયાં છે.
‘દિલ સે દિલ તક’ અને ‘ટશન-એ-ઇશ્ક’ જેવી સિરિયલોથી જાણીતી બનેલી જાસ્મિન ભસીનની લોકપ્રિયતા ‘નાગિન’ને લીધે વધી છે ત્યારે બિગ બાૅસના ઘરમાં જાસ્મિન કેવી ગેમ રમે છે એ જાેવાનું રહેશે. બીજી તરફ રાજીવ સેન, શુભાંગી અત્રે, તેજસ્વી પ્રકાશ, અધ્યયન સુમન, સુરભિ જ્યોતિ જેવા કલાકારોએ ‘બિગ બાૅસ’ની ઑફર ઠુકરાવી દીધી છે. ‘બિગ બાૅસ-૧૪’માં આ વખતે ભાગ લેનારાઓને સ્પોટ્ર્સ ક્લબ, જિમ, શાૅપિંગ સેન્ટર, સિનેમા જેવી સુવિધા મળવાની છે, તો ઈલેક્ટ્રાૅનિક ગૅજેટ્સ માટેનો એરિયા પણ બનાવવામાં આવશે જેથી સ્પર્ધકો વ્લાૅગની મદદથી બહારની દુનિયા સાથે પણ કનેક્ટ થઈ શકશે.