અમદાવાદમાં વધુ 15 ખાનગી હોસ્પિ.ને મ્યુનિ.એ કોવિડનો દરજ્જો આપ્યો
અન્ય જિલ્લાના દર્દીઓને લાભ મળશે
અમદાવાદ. શહેરમાં 59 જેટલી ખાનગી હોસ્પિટલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે અને હવે AMC દ્વારા શહેર સિવાયના અને અન્ય જિલ્લામાંથી આવતા કોરોનાના દર્દીઓને વધુ સુવિધા મળી રહે એ માટે વધારાની 15 ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ જાહેર કરી છે. અધિક મુખ્ય સચિવ ડૉ.રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય લેવાનો મુખ્ય હેતુ અમદાવાદ શહેરમાં HDU, ICU તેમજ વેન્ટિલેટર સહિત વધુ ક્રિટિકલ બેડ મળી રહે તે અંગેનો છે.
1 જૂનના રોજ નક્કી કરાયેલા રેટ મુજબ ચાર્જ લઇ શકશે
AMC દ્વારા નવી જાહેર કરાયેલી કોવિડ હોસ્પિટલ દ્વારા ખાનગી ક્વોટાના દર્દીઓ માટે 1 જૂનના હુકમથી નક્કી કરવામાં આવેલા સારવારના સીલીંગ રેટ મુજબ જ ચાર્જીસ લેવાના રહશે. આ હુકમ મુજબ વોર્ડમાં બેડ માટે પ્રતિ દિવસ 9 હજાર રૂ., HDU બેડ માટે 12600, આઇસોલેશન+ICU બેડ માટે 18050, વેન્ટિલેટર+આઇસોલેશન+ICU બેડ માટે 21850 રૂપિયા રેટ નક્કી કરવામાં આવ્યા છે.