રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં ૮૨.૭૮ ટકા વાવેતર
ધાન્ય પાકોમાં ૭૦.૭૧ ટકા, કઠોળ પાકોમાં ૭૫.૪૫ ટકા અને તેલીબીયા પાકોમાં ૧૦૦.૨૧ ટકા વાવેતર થયું
અમદાવાદ, રાજ્યમાં ચાલુ વર્ષે જૂન મહિનાની શરૂઆતમાં જ વરસાદ વરસતા ધરતીપુત્રો દ્વારા સમયસરની વાવણીને પરિણામે કૃષિ વાવેતર વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો થયો છે. સામાન્ય રીતે રાજ્યમાં જૂનની ૧૫ મી તારીખ કે ત્યારબાદ વરસાદની શરૂઆત થતી હોય છે અને ત્યારબાદના સારા વરસાદ બાદ વાવણીની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે જૂન માસની શરૂઆતમાં જ સારો વરસાદ થતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દેતા રાજ્યમાં કૃષિ પાકોના વાવેતર વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં વૃધ્ધિ જોવા મળી છે.
આ ઉપરાંત ચાલું વર્ષે કોરોનાના કારણે વિવિધ ક્ષેત્રો પર થોડા ઘણાં નિયંત્રણો મૂકવામાં આવેલા હતાંપરંતુ સરકાર દ્વારા તેમાં કૃષિ ક્ષેત્રની જરૂરિયાત ધ્યાનમાં લઇને છૂટછાટ આપવામાં આવી હતી તેને લઇને સમયસર વાવણી થઇ શકી હતી. વળી, ખેતી હેઠળનો મોટાભાગનો વિસ્તાર ગ્રામ્ય ક્ષેત્રમાં આવેલ હોવાથી મોટા પ્રમાણમાં ગ્રામીણ રોજગારના અવસરો પેદા થવાથી કોરોના વચ્ચે પણ ગ્રામીણ કૃષિ ક્ષેત્ર ધબકતું રહ્યું છે.
રાજ્યની છેલ્લા ત્રણ વર્ષની વાવેતરની કુલ સરેરાશ ૮૪,૯૦,૦૭૦ હેક્ટરની સરખામણીમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૭૦,૨૭,૮૭૫ હેક્ટરમાં વાવેતર થયું છે તે દ્રષ્ટિએ સિઝનનું ૮૨.૭૮ ટકા વાવેતર થઇ ચૂક્યું છે અને હજુ પણ વાવેતર ચાલું છે તે દ્રષ્ટિએ આ આંકડો હજુ વધશે. ડાંગર, બાજરી, જુવાર, મકાઇ અને અન્ય ધાન્ય પાકોની ૧૩,૫૨,૬૫૮ હેક્ટરની છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં ચાલું વર્ષમાં ૯,૫૬,૫૧૦ હેક્ટરમાં વાવેતર થયું છે તે રીતે ચાલું વર્ષે ૭૦.૭૧ ટકાનું વાવેતર થઇ ચૂક્યું છે.
તુવેર, મગ, મઠ, અડદ અને અન્ય કઠોળનું છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ વાવેતર વિસ્તાર ૪,૭૧,૫૮૦ હેક્ટર હતો તે આ વર્ષે ૩,૫૫,૮૩૦ હેક્ટર થયો છે એટલે કે ૭૫.૪૫ ટકામાં કઠોળનું વાવેતર રાજ્યમાં થયું છે.
તે જ રીતે મગફળી, તલ, દિવેલા, સોયાબીન અને અન્ય તેલીબીયાના છેલ્લા ત્રણ વર્ષની વાવેતરની કુલ સરેરાશ ૨૩,૯૧,૯૧૦ હેક્ટરની સરખામણીમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૨૩,૯૭,૦૩૯ હેક્ટરમાં વાવેતર થયું છે તે દ્રષ્ટિએ સિઝનનું ૧૦૦.૨૧ ટકા વાવેતર થઇ ચૂક્યું છે. આ રીતે રાજ્યમાં સો એ સો ટકા વાવેતર થઇ ચૂકયું છે.
આવી જ રીતે કપાસ, તમાકુ, ગુવાર સીડ, શાકભાજી અને ઘાસચારાનું છેલ્લા ત્રણ વર્ષની વાવેતરની કુલ સરેરાશ ૪૨,૭૩,૯૨૨ હેક્ટરની સરખામણીમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૩૩,૧૮,૪૯૬ હેક્ટરમાં વાવેતર થયું છે તે દ્રષ્ટિએ સિઝનનું ૭૭.૬૫ ટકા વાવેતર થઇ ચૂક્યું છે અને હજુ પણ તેનું વાવેતર ચાલું છે. શ્રાવણના સરવરિયા અને હજી પાછોતરા વરસાદની સંભાવનાઓ વચ્ચે હજુ પણ રાજ્યના કુલ વાવેતર વિસ્તારમાં હજુ પણ વધારો થશે. કોરોનાના સંક્રમણકાળ વચ્ચે કૃષિકારોની ધગશ, મહેનત, વરસાદ રૂપી કુદરતની મહેરબાની અને રાજ્ય સરકારના ગ્રામીણ અને ખાસ કરીને કૃષિના ધબકતું રાખવાના પ્રયાસોને પરિણામે કૃષિ પાકોનું રાજ્યમાં નોંધપાત્ર વાવેતર થયું છે.