ભારત વેસ્ટ ઇન્ડીઝ ટૂર પર આવે તો જ નાણાકીય ફાયદો થઈ શકે : જેસન હોલ્ડર
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમના કૅપ્ટન જેસન હોલ્ડરનું માનવું છે કે જાે ઇંગ્લૅન્ડ અથવા ભારત જેવી ટીમ વેસ્ટ ઇન્ડીઝ ટૂર પર આવે તો જ વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટને નાણાકીય ફાયદો થઈ શકે એમ છે. આ વિશે વાત કરતાં જેસન હોલ્ડરે કહ્યું કે ‘હું અમારા ચીફ એક્ઝિક્યુટિવ જાેની ગ્રેવ સાથે વાત કરી રહ્યો હતો. અમે એ જ વાત કરતા હતા કે ઘરઆંગણે ઇંગ્લૅન્ડ અથવા ઇન્ડિયા સાથે મૅચ રમવાથી જ અમને નાણાકીય મદદ મળી શકે છે.
અમે ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સાથે પણ રમી શકીએ છીએ, પણ ત્યાં નુકસાન થવાનો ભય છે. અમને ખબર નથી કે આ સિરીઝ પત્યા પછી હવે શું શેડ્યુલ છે, પણ વર્ષના અંત પહેલાં વેસ્ટ ઇન્ડીઝ આવવાનો ઇંગ્લૅન્ડ પાસે સારો મોકો છે. પાછલું વર્ષ અમારા માટે નાણાકીય રીતે ઘણું અઘરું રહ્યું હતું અને અમે કેટલીક પરિસ્થિતિઓમાં અમારી આવક પર કાપ મૂક્યો હતો. આ ટૂર ૨૦૨૦ના અંત પહેલાં સંભવ થઈ શકે છે.
ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને ઇન્ડિયા એવા દેશો છે જે નાણાકીય રીતે પોતાના પગ પર જાતે ઊભા રહી શકે છે. આ ત્રણ દેશોને બાદ કરતાં મોટા ભાગના દેશો નાણાકીય રીતે સ્ટ્રગલ કરી રહ્યા છે. રેવન્યુ શૅરિંગની જ્યાં સુધી વાત છે તો આ દેશોએ કંઈક મધ્યમ માર્ગ કાઢવો જાેઈએ. મને નથી લાગતું કે કોરોનાના સમયમાં આનાથી અલગ કોઈ માર્ગ નીકળી શકે છે. સિરીઝનું આયોજન કરવાનો ઍડિશનલ કોસ્ટ ઘણો વધી જાય છે. નાણાકીય સહાય વગર અમે અમારા દેશમાં કોઈ પણ સિરીઝનું આયોજન કરવા માટે અટકી પડીએ છીએ. રેવન્યુના વિતરણને ધ્યાનમાં રાખીને આ મારો અંગત મત છે. તેમ છતાં, હવે જાેવા જેવું છે કે નાના દેશોને વિશ્વ ક્રિકેટમાં કઈ રીતે મદદ મળી રહે છે.’