૩૩ વર્ષથી દસમાં ફેલ થતો, આખરે કોરોનાને લીધે પાસ

નિરદ્દીન માટે કોરોના કાળ એક અવસર બનીને આવ્યો -તેલંગણા સરકારે મહામારીને કારણે તમામને પાસ કર્યા
હૈદરાબાદ, કોરોના સંક્રમણના કારણે દેશભરમાં લાગુ કરવા પડેલા લોકડાઉનના કારણે અનેક રાજ્યોની સરકારોને બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરી દેવી પડી હતી. જેના કારણે ઘણા વિદ્યાર્થીઓને નુકશાન થયું હતું. પરંતુ હૈદરાબાદના નિરદ્દીન માટે કોરોના કાળ એક અવસર બનીને આવ્યો. તેઓ છેલ્લા ૩૩ વર્ષથી ધોરણ ૧૦ની અંગ્રેજીની પરીક્ષા આપી રહ્યા હતા. પરંતુ દર વર્ષે અંગ્રેજી વિષયમાં નાપાસ જ થતા હતા. આ વર્ષે કોરોનાની મહેરબાનીથી તેઓ ૧૦માં ધોરણમાં પાસ થઈ ગયા હતા.
નોંધનીય છે કે કોરોનાના કારણે તેલંગાણા રાજ્ય સરકારે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાનો ર્નિણય લીધો હતો. હૈદરાબાદના મોહમ્મદ નુરુદ્દીન ૫૧ વર્ષના છે અને તેઓ છેલ્લા ૩૩ વર્ષથી સતત ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે પરંતુ તેમને આજ સુધી સફળતા મળી નહતી. પરંતુ આ વખતે તેમના નસીબે તેમનો સાથ આપ્યો અને રાજ્ય સરકારે તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાનો ર્નિણય લેતા આખરે તેઓ ધોરણ ૧૦ની અંગ્રેજીની પરીક્ષામાં પાસ થઈ ગયા હતા.
મોહમ્મદ નુરુદ્દીને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે હું ૧૯૮૭થી સતત ધોરણ ૧૦ની પરીક્ષા આપી રહ્યો છું. પરંતુ અંગ્રેજી વિષયમાં નબળો હોવાનો કારણે હું તેમાં દર વર્ષે નાપાસ જ થતો હતો. પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે સરકારે આપેલી છૂટછાટના કારણે હું પાસ થઈ ગયો છું.