દેશમાં કોરોનાની જે પ્રજાતિ વધુ ફેલાયેલ છે તે યુરોપથી આવી છે
કોરોનાની શરૂઆત ચીનના વુહાનથી થઈ પરંતુ અલગ અલગ દેશોમાં પહોંચ્યા બાદ વાયરસે રંગરૂપ બદલ્યા છે
નવી દિલ્હી, દુનિયાભરમાં હાલના દિવસોમાં કોરોના વાયરસ પર સતત રિસર્ચનું કામ ચાલુ છે. વૈજ્ઞાનિકો એ જાણકારી મેળવવાની કોશિશ કરી રહ્યાં છે કે કોવિડ-૧૯ નાનો આ વાયરસ આખરે કેટલો જાેખમી છે કે પછી તે દર્દીઓ પર કેટલું નુકસાન પહોંચાડી રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા વેરિયન્ટને સાર્સ કોવ-૨નું સાયન્ટિફિક નામ આપ્યું હતું.
કહેવાય છે કે ભારતમાં મોટાભાગે કોરોનાના વેરિયન્ટ યુરોપથી મુસાફરો લઈને આવ્યાં અને એનો જ પ્રભાવ દેશમાં સૌથી વધુ છે. હાલ દેશમાં કોરોનાની જે પ્રજાતિ સૌથી વધુ ફેલાયેલી છે તે યુરોપથી આવેલી છે. અત્રે જણાવવાનું કે આમ તો કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાનથી થઈ પરંતુ અલગ અલગ દેશોમાં પહોંચ્યા બાદ વાયરસે રંગરૂપ બદલ્યા. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી તરફથી શનિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન સામે એક રિપોર્ટ રજુ કરાયો.
મળતી માહિતી મુજબ આ રિપોર્ટમાં કહેવાયું કે ભારતમાં કોરોના વાયરસના મોટાભાગના સ્ટેરન યુરોપ અને સાઉદી અરબથી આવ્યાં. જાે કે જાન્યુઆરીની શરૂઆતમાં ભારતમાં કોરોના વાયરસના કેટલાક વેરિયન્ટ ચીનથી પણ આવ્યાં હતાં. અભ્યાસમાં જાણવા મળ્યું કે સાર્સ કોવ-૨ના ડી૧૬૪જી જીન વેરિયન્ટમાં હવે થોડી કમી આવી રહી છે. આ વેરિયન્ટ મોટાભાગે દિલ્હીમાં છે અને આ જ કારણ છે કે અહીં કોરોનાના ટ્રાન્સમિશનમાં ઘટાડો થઈ રહ્યો છે.
વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો કે દેશભરમાં લોકડાઉનથી ખુબ ફાયદો થયો છે. ખાસ કરીને માર્ચ અને મે મહિનાની વચ્ચે લોકડાઉનના કારણે વાયરસ ફેલાઈ શક્યો નહીં. હકીકતમાં તે વખતે દેશભરમાં આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ઉડાણો બંધ હતી. આવામાં કોરોના વાયરસના અલગ અલગ વેરિયન્ટ દેશમાં ફેલાઈ શક્યા નહીં. વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યો કે ભારત જેવા મોટા દેશમાં કોરોના અલગ અલગ રીતે લોકો પર અસર કરી રહ્યો છે.
અત્રે જણાવવાનું કે કોવિડ ૧૯થી અત્યાર સુધીમાં સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૧૧ લાખ પર પહોંચી ગઈ છે. જ્યારે આ મહામારીથી મૃત્યુ પામનારા લોકોનો દર ૨.૧૫ ટકા પર પહોચ્યો છે. જૂનમાં આ આંકડો ૩.૩૩ ટકા હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે માર્ચમાં લોકડાઉનનો પહેલો ફેઝ લાગુ થયા બાદથી દેશમાં કોવિડ ૧૯ના મૃત્યુદરમાં પહેલીવાર આટલો ઘટાડો થયો છે. ભારત હજુ પણ કોવિડ૧૯નો સોથી ઓછો મૃત્યુદરવાળા દેશોમાં છે.