વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી ફિલ્મ ‘અનિતા’ની પસંદગી

‘અનિતા’નું શૂટિંગ વલસાડમાં કરાયું છે બીજીથી ૧૨ સપ્ટેમ્બર સુધી યોજાનાર વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી શાૅર્ટ-ફિલ્મ અનિતાની પસંદગી
મુંબઈ, આ વર્ષે ૨થી ૧૨ સપ્ટેમ્બર દરમ્યાન ઇટલીમાં યોજાનારા વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી શાૅર્ટ-ફિલ્મ ‘અનિતા’ની પસંદગી થઈ છે. ૭૭મો વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ કોવિડ-૧૯ પૅન્ડેમિકના કારણે હાલ તો મર્યાદિત રીતે યોજાશે એવી જાહેરાત થઈ છે, પણ ટૂંક સમયમાં સત્તાવાર અનાઉન્સમેન્ટ કરવામાં આવશે.
વર્ષ ૨૦૧૫માં નૅશનલ અવાૅર્ડ મેળવનારી મરાઠી ફિલ્મ ‘કોર્ટ’ના ડિરેક્ટર ચૈતન્ય તામ્હણેની ‘ધ ડિસાઇપલ’ અને નેટફ્લિક્સની ક્રાઇમ-ડ્રામા ફિલ્મ ‘સોની’ના ડિરેક્ટર ઈવાન ઐયરની હિન્દી ફિલ્મ ‘મીલ પત્થર’ની પણ ભારત તરફથી પસંદગી થઈ છે. ફેસ્ટિવલની શાૅર્ટ ફિલ્મ કાૅમ્પિટિશનમાં સિલેક્ટ થયેલી ‘અનિતા’ સુરતનાં ન્યુ યાૅર્ક બેઝ્ડ ફિલ્મમેકર સુષ્મા ખાદેપૌને લખી અને ડિરેક્ટ કરી છે. એમાં ‘છેલ્લો દિવસ’ અને શું થયું?!’
સહિતની ગુજરાતી ફિલ્મો કરનારા અભિનેતા મિત્ર ગઢવી તથા તેની સાથે અભિનેત્રી અદિતિ વાસુદેવ છે. ડિરેક્ટર સુષ્મા ખાદેપૌને કહ્યું કે ‘હું કોલમ્બિયા યુનિવર્સિટીમાં માસ્ટર ઑફ ફાઇન આર્ટ્સ ઇન સ્ક્રીન-રાઇટિંગ ઍન્ડ ડિરેક્ટિંગનો કોર્સ કરી રહી છું એના થીસિસ માટે મેં આ શાૅર્ટ ફિલ્મ બનાવી છે.
‘અનિતા’નું શૂટિંગ વલસાડ નજીક આવેલા તિથલમાં થયું છે. મિત્ર ગઢવી અને અદિતિ વાસુદેવ ઉપરાંત કલાકારોમાં સંજીવની સાઠે, નિખિલ દવે, ભક્તિ મણિયાર, દીપ શેઠ છે.’ ૧૭ મિનિટની ‘અનિતા’માં અમેરિકાથી પોતાની બહેનનાં લગ્નમાં પતિ વિક્રમ સાથે આવેલી અનિતા નામની યુવતીની સફર છે.