સુરતની ડાયમંડ કંપનીને અમદાવાદના ઠગબાજ વેપારીએ લગાવ્યો ૧.૪૮ કરોડનો ચુનો
શહેરના વરાછા મીનીબજારની કેપ્ટસ એન્ટરપ્રાઇઝીસ નામની ડાયમંડ કંપનીમાંથી ૬૦ દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કરી રૂપિયા . ૧.૪૮ કરોડના ડાયમંડ ખરીદી પેમેન્ટ માટે તુર્કી ખાતે બોલાવ્યા બાદ આજ દિન સુધી પેમેન્ટ નહીં ચુકવી વિશ્વાસઘાત કરનાર અમદાવાદના ઠગ વેપારી વિરૂધ્ધ સુરતના વેપારીએ વરાછા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાઇ છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કોરોના મહામારી વચ્ચે ડાયમંડ ઉધોગ હજુ તો બે દિવસ પહેલા ચાલુ થયો છે. ત્યારે છેલ્લા ૪ મહિનાથી આ ઉધોગ બંધ હોવા સાથે મંદીમાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે આ સમયે મોટો ઓડર મળતા સુરતના મોટા વરાછાના સુદામા ચોકની તુલસી રેસીડન્સીમાં રહેતો અને મૂળ ભાવનગર જિલ્લાના ઘારીયાધાર તાલુકાના પરવડી ગામના વતની ચિરાગ અશોક ખેની
દુબઇ સ્થિત જાનવી ડાયમંડમાં સેલ્સ મેનેજરની નોકરી છોડી વર્ષ ૨૦૧૮માં વરાછા મીનીબજારના શિવરત્ન બિલ્ડીંગમાં કેપ્ટસ એન્ટરપ્રાઇઝીસ પ્રા.લિ. નામે ભાઇ ગૌરાંગ ખેની સાથે ભાગીદારીમાં ડાયમંડ કંપની શરૂ કરી હતી.
ચિરાગ જાનવી ડાયમંડમાં નોકરી કરતો હતો ત્યારે દુનિયાના અલગ-અલગ દેશમાં ડાયમંડ વેચવા જતો હતો. ત્યારે અમદાવાદના વેપારી એવા અનુજલ લાભચંદ બોહરાના પરિચયમાં આવ્યો હતો. જોકે, ૨૦૧૯ના જાન્યુઆરીમાં અનુજે દુબઇથી ફોન કરી ચિરાગ પાસે ૬૦ દિવસના વાયદે વી.વી.એસ ક્વાૅલિટીના રાઉન્ડ શેપના રૂા. ૩૨.૪૮ લાખના ડાયમંડ ખરીદયા હતા. ત્યાર બાદ અનુજે પુનઃ દુબઇથી કોલ કરી મને તુર્કીનો મોટો ઓર્ડર મળ્યો છે અને જો તુ મને માલ આપશે તો હાથો હાથ પેમેન્ટ લઇને તેને પહોંચાડીશ અને તેમાં નફો પણ સારો મળશે, તેવુ કહ્યુ હતુ.
જેથી વિશ્વાસમાં આવી ચિરાગે અલગ-અલગ ક્વાૅલિટીના રૂપિયા . ૧.૫૫ કરોડના ડાયમંડ વેચવા માટે આપ્યા હતા. પરંતુ પેમેન્ટ માટે વાયદા પર વાયદા કર્યા હતા. ઉપરાંત ૨૦૧૯ના માર્ચમાં તુર્કીના ઇસ્તુંબલમાં ડાયમંડનું મોટુ પ્રદર્શન છે અને ત્યાં આવે ત્યારે પેમેન્ટ આપી દઇશ તેવો વાયદો કર્યો હતો. જેથી ચિરાગ તુર્કી પણ ગયો હતો
પરંતુ ત્યાં અનુજ આવ્યો ન હતો. જેથી ચિરાગ પરત આવી ગયો હતો અને અમદાવાદ અનુજના ઘરે ઉઘરાણી માટે ગયો હતો. પરંતુ અનુજ કયાં છે તે મને નથી ખબર અને તમને મળે તો મને પણ જણાવજો તેવો જવાબ તેના પિતાએ આપ્યો હતો. જેથી આ અંગે છેલ્લા લાંબા સમય થી પેમેં માટે ધક્કા ખવડાવી છેતરપિંડી કરતા અમદાવાદ ના વેપારી વિરુદ્ધ સુરત ના હીરા વેપારી એ વરાછા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે