તહેવારમાં પણ અમદાવાદના બજારમાં ચમક દેખાતી જ નથી
અમદાવાદ: સામાન્ય દિવસોમાં શ્રાવણ માસમાં શરુ થતા તહેવારોને લઈને બજારમાં બરોબર ભીડ જામતી હતી ત્યાં ચાલુ વર્ષે તહેવારોની કોઈ જ ખરીદી જોવા મળતી નથી. કાપડ બજાર હોય,; વાસણ બજાર, સોના ચાંદી ની દુકાનો, મીઠાઈની દુકાનોમાં વેપારીઓ ગ્રાહકોને જોતા બેસી રહ્યા છે. કોરોનાને લઈને લોકો ના વ્યાપાર ધંધા ઉદ્યોગો બંધ થઈ જતા ભારે આર્થિક સંકળામણ અનુભવી રહેલા શહેરી જણાય તહેવારોમાં ખરીદી કરવાનું ટાળ્યું હોય તેવો ઘાટ થયો છે.
માર્ચ મહિના ના અંતમાં કોરોના ને કારણે દેશભરમાં લોક ડાઉન કરી દેવામાં આવ્યું હતું જેને લગભગ ૭૦ દિવસ સુધી દેશભરમાં બજારો બંધ રહ્યા હતા. આ પરિસ્થિતિમાં દેશના અર્થતંત્રને ભારે નુકસાન થયું છે લોકોના વેપાર-ધંધા ઉદ્યોગો પડી ભાંગ્યા છે.સરકારી કર્મચારી સિવાયના કર્મચારીઓના પગારમાં કાપ આવ્યો હોવાનો તેમજ સમયસર પૂરતો પગાર નહીં થયો હોવાને કારણે તેઓ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. લોકો આર્થિક સંકડામણમાં હોવાને કારણે હવે ખુલેલા બજારોમાં પણ જાણે કે ગ્રાહકો જોવા જ મળતા નથી તેવો ઘાટ થયો છે. શ્રાવણ માસમાં રક્ષાબંધન થી તહેવારો શરૂ થઇ જતા હોય છે
રક્ષાબંધનના આગળના દિવસોમાં તો તમામ બજાર અને માર્કેટ ગ્રાહકોથી જાણે કે ઉભરાઈ જતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ત્યારે ચાલુ વર્ષે રક્ષાબંધન ની પૂર્વ સંધ્યા સુધી બજારો ખાલીખમ જોવા મળતા હતા. જેને કારણે વ્યાપારીઓ માં પણ ભારે નિરાશા જન્મી છે. રક્ષાબંધનમાં માત્ર રાખડી નું ટર્નઓવર કરોડો રૂપિયાનું થતું હતું તેમાં પણ ખાસ્સો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાખડી ઉપરાંત કપડા સોના ચાંદીના ઘરેણા મીઠાઈ સહીતના બજારોમાં પણ તેજી જોવા મળતી હતી
જે હજુ સુધી જોવા મળતી નથી. વેપારીઓના મતે લોકો પાસે પૈસા નહિ હોવાને લીધે તેઓ તહેવારોની ઉજવણી કરવાનું ટાળી રહ્યા છે.વેપાર ધંધો નથી ચાલતો હોવાને કારણે શહેરના મોટા બજારો અને માર્કેટમાં સંખ્યાબંધ દુકાનો પણ બંધ થઈ ગઈ છે.