યુપીના ફતેહપુરમાં વિચિત્ર બીમારીથી ૬ લોકોનાં મોત
ગામમાં તમામ બીમાર લોકોના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યાઃ યુપીના સ્વાસ્થ્ય વિભાગની ટીમના ગામમાં ધામા
ફત્તેહપુર, ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં આવેલા બિંદકી ક્ષેત્રમાં વિચિત્ર પ્રકારની બીમારીના કારણે ઓછામાં ઓછા છ લોકોનાં મોત થવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું છે.
એસડીએમ બિંદકીની આગેવાનીમાં સ્વાસ્થ્ય વિભાગની એક ટીમ ગામમાં પહોંચી હતી અને બીમાર થયેલા દર્દીઓનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તમામ લોકોનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. બિંદકી ખાતે જહાનાબાદ વિધાનસભા ક્ષેત્રના નોનારા અને ટકોલા ગ્રામસભા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી એક વિચિત્ર બીમારીએ પોતાનો પગ પ્રસરાવ્યો છે. આ બીમારીના કારણે અત્યાર સુધીમાં બાળકો સહિત અડધો ડઝન લોકો મૃત્યુ પામ્યા છે.
તે સિવાય કાનપુરની હોસ્પિટલમાં કેટલાક લોકોની સારવાર ચાલી રહી છે. ગામમાં પહોંચેલી સ્વાસ્થ્ય વિભાગની ટીમે બીમાર પડેલા લોકોનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરવાની સાથે સાથે કોરોનાની તપાસ પણ કરાવી હતી. આ તરફ કેટલાક ગામલોકો ડરના માર્યા ઘરને તાળા મારીને ગામ છોડીને ભાગી ગયા છે. ગામલોકોના કહેવા પ્રમાણે વિચિત્ર બીમારીના કારણે ગામના લોકો બીમાર પડ્યા છે અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ફક્ત કાગળકામ થઈ રહ્યું છે.
આ તરફ એસડીએમ બિંદકી આશિષ યાદવે ગામમાં બીમારીની જાણ થતા સ્વાસ્થ્ય વિભાગની ટીમ આવી ગઈ હોવાની માહિતી આપી હતી. હાલ ગામમાં બીમાર પડેલા તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. તે સિવાય જેટલા લોકોના મોત થયા છે તેમની જાણકારી એકત્રિત કરવામાં આવી રહી છે.