લોકોને મારી પાસે ન આવવું પડે એ રીતે પોલીસ કામ કરશેઃ પોલીસ કમિશનર
ક્રાઈમ કંટ્રોલ, ત્રાસવાદ તથા સ્લિપર સેલ જેવી બાબતોને પ્રાધાન્ય આપવાની શહેરના પોલીસ વડાએ જાહેરાત કરી
અમદાવાદ, ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ છોડીને સંજય શ્રીવાસ્તવને સોપ્યો હતો. આજથી સંજય શ્રીવાસ્તવએ શહેર પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો અને લોકોને તેમની પાસે નહીં પણ તેઓ અને તેમની પોલીસ લોકો પાસે જઈને કામ કરશે તેવી રીતે કામગીરી કરવાની તૈયારી દર્શાવી હતી.
રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ વિધિવત રીતે નવનિયુક્ત સંજય શ્રીવાસ્તવને શહેર પોલીસ કમિશનરનો ચાર્જ સોંપ્યો છે. ભાટિયાએ રાજ્ય વ્યાપી મિસિંગ ચાઈલ્ડની એક્ટિવિટી ઉપર કામગીરી કરવાની તૈયારી બતાવી છે. આ સાથે જ ક્રાઈમ કંટ્રોલ, ત્રાસવાદ તથા સ્લિપર સેલ જેવી બાબતોને પ્રાધાન્ય આપવાની વાત રાજ્ય પોલીસ વડાએ આજે કરી હતી. ઉપરાંત પૂર્વ ડીજીપી શિવાનંદ ઝા દ્વારા જે પ્રોજેક્ટો શરુ કરવામાં આવ્યા હતા તે તમામ પ્રોજેક્ટોને આગળ ધપાવવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. આવનારા સમયમાં ગુજરાત પોલીસને અલગ મુકામે પહોંચાડવાના હેતુ સાથે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા પોતાની કામગીરીની શરૂઆત કરશે.
ચાર્જ લેતાની સાથે જ હવે અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ મળ્યા છે. આમ તો સ્વભાવે શાંત પ્રકૃતિ અને લો-પ્રોફાઈલ રહેવાની છબી સંજય શ્રીવાસ્તવ ધરાવે છે, સાથે જ કડક અધિકારીની છાપ પણ તેઓ ધરાવે છે. ઉલેખનીય છે કે આજે ચાર્જ સંભાળતાની સાથે જ તેમને જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ સાથે શી-ટીમની કામગીરીને આગળ વધારવાની શરૂઆત કરવામાં આવશે.
આ ઉપરાંત લો-એન્ડ ઓર્ડરની ભૂમિકા પર કામ કરવાની અગ્રીમતા તેમની રહેવાની છે. લોકોને તેમની પાસે નહીં પણ તેઓ અને તેમની પોલીસ લોકો પાસે જઈને કામ કરશે તેવી રીતે કામગીરી કરવાની તૈયારી દર્શાવી છે. હવે સર્વ ટુ સિક્યોર પદ્ધતિ અપનાવી પોલીસ કામ કરશે તેવી બાંયધરી પણ સંજય શ્રીવાસ્તવે આપી હતી.