૨૯ ટકાથી વધુ શ્રમિકો શહેરોમાં પાછા ફર્યા: એનજીઓએ કરેલો સર્વે
નવી દિલ્હી, કોરોના રોગચાળો અને લોકડાઉનના પગલે પોતપોતાના ગામડે ચાલ્યા ગયેલા ૨૯ ટકા શ્રમિકો ગામડાંમાં કામ ન મળતાં શહેરો તરફ પાછાં ફર્યા છે અને બીજા ૪૫ ટકા લોકો પાછા ફરવા તૈયાર હતા એવું એક સર્વેમાં જાણવા મળ્યું હતું. કેટલીક એનજીઓ દ્વારા દેશનાં ૧૧ શહેરોમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેની વિગતો સોમવારે જાહેર કરવામાં આવી હતી. આ સર્વેનો સાર એવો હતો કે સંજાેગવશાત પોતપોતાના વતન તરફ દોડી ગયેલા મોટા ભાગના શ્રમિકો ગ્રામ વિસ્તારમાં પૂરતું કામ ન મળવાથી શહેરી વિસ્તારો તરફ દોટ મૂકવા ઉત્સુક બન્યા હતાં. ૨૯ ટકા જેટલા શ્રમિકો-મજૂરો પાછાં ફરી ચૂક્યા છે અને બીજા ૪૫ ટકા પણ પાછાં ફરવાની તૈયારીમાં જ છે.
એનજીઓ દ્વારા કરાયેલા સર્વેમાં ૧,૧૯૬ પરિવારો સાથે વાત કરવામાં આવી હતી. ૭૪ ટકા પરિવારોએ કહ્યું હતું કે કોરોના રોગચાળો અને લોકડાઉનના કારણે કામનો અને પેટ ભરવાની સામગ્રીનો અભાવ હોવાથી અમે લાચારીથી ગામડાં તરફ ચાલ્યા ગયાં હતાં. પરંતુ ગ્રામ વિસ્તારોમાં અમને પૂરતું કામ અને ધંધા રોજગાર મળતાં નથી એટલે શહેરી વિસ્તારોમાં પાછાં ફર્યા સિવાય કોઈ આરોવારો રહ્યો નથી. ગ્રામ વિસ્તારોમાં ગયેલા થોડાક શ્રમિકોને બાંધકામના વ્યવસાયમાં થોડું કામ મળી ગયું હતું. પરંતુ ૮૦ ટકા શ્રમિકોનું કહેવું એવું હતું કે અમને અમારા કૌશલ્ય મુજબનું કામ મળ્યું નથી.
ઝારખંડ, મધ્ય પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસા, રાજસ્થાન અને ત્રિપુરાના ૪૮ જિલ્લામાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તારોમાંથી પુરુષો પાછા આવી જતાં મહિલાઓના કામમાં વધારો થયો હતો એમ પણ સર્વેમાં જણાવાયું હતું. ૨૪ ટકા શ્રમિકોએ કહ્યું હતું કે રોજગારીના અભાવે અમે અમારાં બાળકોને ભણતર છોડાવી દેવાનો વિચાર કરી રહ્યા હતાં.