આગામી મહિનાથી ધીરે-ધીરે કોરોના વાયરસ ખતમ થવા લાગશે
સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી કોરોના સંક્રમણનો દર ઘટશે: આગામી વર્ષ સુધી આપણી પાસે કોરોનાની વેક્સિન હશે: કોરોના ઈન્ફેક્શનનો રેટ ઘટશે
નવી દિલ્હી, કોરોના વાયરસની મહામારીને લઈને નિષ્ણાતોએ એ પ્રકારનો દાવો કર્યો છે કે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિના સુધીમાં કોરોના ઈન્ફેક્શનનો રેટ ઘટવા લાાગશે. સાથે જ નવા વર્ષમાં આપણી પાસે કોરોના વેક્સિન (રસી) આવી શકે છે. ભારતમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. અત્યારે એવો સમય ચાલી રહ્યો છે કે દર્દી બીમાર હોવા છતાં પણ હોસ્પિટલ જતા ડરી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસના એક્સપર્ટ એવા ડાૅક્ટર એચ સુદર્શન બલ્લાલે જણાવ્યું કે દેશમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આપણને જોવા મળ્યું છે કે દેશમાં વધુ વસ્તી ધરાવતા મોટા શહેરો જેવા કે દિલ્હી અને મુંબઈ (તેમાં પણ ખાસ કરીને ધારાવીનો ગીચ ઝૂંપડપટ્ટી વિસ્તાર)માં કોરોના સંક્રમણ પર ધીરે-ધીરે નિયંત્રણ મેળવી શકાયું છે. આ મોટા શહેરો આપણા માટે કોરોનાને નિયંત્રણ કરવા માટે આશાનું કિરણ છે.
આ ડોક્ટરે જણાવ્યું કે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણનો દર ઘટવા લાગશે અને આગામી વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૧ની શરૂઆત સુધીમાં આપણી પાસે કોરોનાની વેક્સિન (રસી) હશે. કોરોના એટલો વધુ પણ ખતરનાક નથી. દર્દીઓને તે વાતની જાણકારી હોવી જોઈએ કે જો તેઓ બીમાર થાય છે તો તેઓ માટે હોસ્પિટલ છે. જ્યાંથી તેઓ સાજા થઈ શકે છે. જ્યારે કોરોના વાયરસની શરૂઆત થઈ ત્યારે તે આપણા માટે નવો હતો.
રાજ્યોએ કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે કડક પગલા લીધા, લાંબા સમય સુધી લોકડાઉન આ મહામારીનો ઉપાય નથી. જો ધીરે-ધીરે અનલોક થઈએ નહીં તો આપણી અર્થવ્યવસ્થા પર અસર પડે. આપણી હેલ્થ ઈન્ડસ્ટ્રી સંઘર્ષ કરી રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૧,૮૦૩,૬૯૫ કેસ નોંધાયા છે અને કુલ ૩૮,૧૩૫ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૧૮૬,૨૦૩ દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. આ ડોક્ટરે જણાવ્યું કે કર્ણાટક રાજ્યમાં શરૂઆતના ત્રણ મહિનામાં કોરોનાની સ્થિતિ પર નિયંત્રણ રહ્યું. કેરળમાં કોરોનાના કેસ વધ્યા પણ તેના પર નિયંત્રણ પ્રાપ્ત કરવામાં આ રાજ્ય એક સારું મોડલ સાબિત થયું. આ સિવાય પણ અન્ય રાજ્યો ઝડપથી કોરોનાના કેસ પર નિયંત્રણ મેળવી રહ્યા છે. દિલ્હી અને મુંબઈ જેવા શહેરમાં પણ હવે પહેલા કરતા સારી સ્થિતિ છે.