Western Times News

Gujarati News

૨૯ ટકાથી વધારે મજૂરો શહેરોમાં પાછાં આવી ગયા

પ્રતિકાત્મક તસવીર

૪૫ ટકા શ્રમિકો પાછાં ફરવાની તૈયારીમાં-૧૧ રાજ્યોમાં એનજીઓએ કરેલો સર્વેઃ ગ્રામ વિસ્તારોમાં પૂરતું કામ-રોજી મળતાં નથી એટલે શહેરોમાં પાછાં ફર્યા
નવી દિલ્હી,  કોરોના રોગચાળો અને લાૅકડાઉનના પગલે પોતપોતાના ગામડે ચાલ્યા ગયેલા ૨૯ ટકા શ્રમિકો ગામડાંમાં કામ ન મળતાં શહેરો તરફ પાછાં ફર્યા હતા અને બીજા ૪૫ ટકા લોકો પાછા ફરવા તૈયાર હતા એવું એક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. કેટલીક જાણીતી એનજીઓ દ્વારા દેશનાં ૧૧ શહેરોમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેની વિગતો સોમવારે જાહેર કરવામાં આવી હતી.

આ સર્વેનો સાર એવો હતો કે સંજોગવશાત્‌ પોતપોતાના વતન તરફ દોડી ગયેલા મોટા ભાગના શ્રમિકો ગ્રામ વિસ્તારમાં પૂરતું કામ ન મળવાથી શહેરી વિસ્તારો તરફ પાછાં ફરી જવા ઉત્સુક હતા. ૨૯ ટકા જેટલા શ્રમિકો પાછાં ફરી ચૂક્યા હતા અને બીજા ૪૫ ટકા જેટલા શ્રમિકો પાછાં ફરવાની તૈયારીમાં હતા.

એનજીઓ દ્વારા કરાયેલા સર્વેમાં ૧,૧૯૬ પરિવારો સાથે વાત કરવામાં આવી હતી. ૭૪ ટકા પરિવારોએ કહ્યું હતું કે કોરોના રોગચાળો અને લાૅક઼ડાઉનના કારણે કામનો અને પેટ ભરવાની સામગ્રીનો અભાવ હોવાથી અમે લાચારીથી ગામડાં તરફ ચાલ્યા ગયાં હતાં. પરંતુ ગ્રામ વિસ્તારોમાં અમને પૂરતું કામ અને ધંધારોજગાર મળતાં નથી એટલે શહેરી વિસ્તારોમાં પાછાં ફર્યા સિવાય કોઇ આરોવારો રહ્યો નથી. ગ્રામ વિસ્તારોમાં ગયેલા થોડાક શ્રમિકોને બાંધકામના વ્યવસાયમાં થોડું કામ મળી ગયું હતું. પરંતુ ૮૦ ટકા શ્રમિકોનું કહેવું એવું હતું કે અમને અમારા કૌશલ્ય મુજબનુ્‌ં કામ મળ્યું નથી.

ઝારખંડ, મધ્ય પ્રદેશ. આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસા, રાજસ્થાન અને ત્રિપુરાના ૪૮ જિલ્લામાં આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તારોમાંથી પુરુષો પાછા આવી જતાં મહિલાઓના કામમાં વધારો થયો હતો એમ પણ સર્વેમાં જણાવાયું હતું. ૨૪ ટકા શ્રમિકોએ કહ્યું હતું કે રોજગારીના અભાવે અમે અમારાં બાળકોને ભણતર છોડાવી દેવાનો વિચાર કરી રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.