હ્યુસ્ટનમાં રિસર્ચર શર્મિષ્ઠા સેનની જોગિંગ પાર્કમાં હત્યા

એક અશ્વેત યુવકની ધરપકડ થઇ
હ્યુસ્ટન, અમેરિકાના હ્યુસ્ટનમાં ભારતીય મૂળના રિસર્ચર શર્મિષ્ઠા સેન (૪૩)ની હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે એક શંકાસ્પદની ધરપકડ કરી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, શર્મિષ્ઠાની હત્યા ૧ ઓગસ્ટના રોજ તે સમયે કરવામાં આવી જ્યારે તેઓ પોતાના ઘરેથી થોડે દૂર આવેલ ચિશહોમ પાર્કમાં જોગિંગ પર ગયા હતા. શર્મિષ્ઠા સેન એક ફાર્મા કંપનીમાં રિસર્ચર હતા.
સ્થાનિક ભારતીય સમુદાયમાં તેઓ એક ડાન્સર અને ગાયક તરીકે પણ જાણીતા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે, સોમવારે પોલીસે તપાસ બાદ ૨૯ વર્ષીય એક અશ્વેત યુવકની ધરપકડ કરી છે. આરોપીની નામ બાકારી એબિઓના મોન્ફ્રીક છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, બાકારીની પહેલા પણ ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જે સમયે શર્મિષ્ઠાની હત્યા થઇ, તેના થોડા જ સમય પહેલા ઘટનાસ્થળની નજીક આવેલ એક મકાનમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. હવે તે તપાસ કરવામાં આવી રહી છે કે જે આરોપીએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો, તે જ શર્મિષ્ઠાની હત્યાનો આરોપી છે.