બેરુત બ્લાસ્ટમાં ૩ માળ સુધી કારો ઉછળીઃ ૭૩નાં મોત
બેરુત, લેબનાનની રાજધાની બેરુતમાં મંગળવારે મોડી સાંજે દરિયાકાંઠે ઊભેલા જહાજમાં ભીષણ વિસ્ફોટ થયો હતો. મળતી માહિતી મુજબ, આ જહાજ ફટાકડાઓથી ભરેલું હતું જેના કારણે એવો અનુભવ કરાયો કે આ સમજી-વિચારીને કરવામાં આવેલો બોમ્બ વિસ્ફોટ છે. ધમાકો એટલો ભીષણ હતો કે ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલાં મકાનોને નુકસાન પહોંચ્યુ હતું. બ્લાસ્ટથી કાર ત્રણ સુધી ઉછળી ગઈ અને પાસે આવેલી અનેક બિલ્ડિંગો એક ક્ષણમાં ધરાશાયી થઈ ગઈ હતી. લેબનાનના મંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૭૩ લોકોનાં મોતની જાણ થઈ છે અને ૪ હજાર લોકો ઘાયલ થયા છે.
લેબનાનના વડાપ્રધાન હસન દિઆબે બુધવારે રાષ્ટ્રીય શોક દિવસની જાહેરાત કરી હતી. અધિકારીઓનું કહેવું છે કે એક ગોડાઉનમાં ભારે વિસ્ફોટક સામગ્રી સ્ટોર હતો અને ત્યાં જ ધમાકો થયો. રાષ્ટ્રપતિ માઈકલ ઈયોને ટિ્વટ કરી કહ્યું છે કે આ બિલકુલ સ્વીકાર્ય નથી કે ૨૭૫૦ ટન વિસ્ફોટક નાઈટ્રેટ અસુરક્ષિત રીતે સ્ટોરમાં રાખવામાં આવ્યું હતું. બ્લાસ્ટ કેવી રીતે થયો તેની તપાસ ચાલી રહી છે. ઘટના સ્થળથી કંપાવી દેનારા વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં રસ્તા પર લોકોની લાશો વિખરાયેલી જાેવા મળી રહી છે. વડાપ્રધાન હસન દિઆબે તેને ભયાનક ગણાવ્યું છે અને કહ્યું છે કે જે પણ દોષી હશે તેને છોડવામાં નહીં આવે.