અયોધ્યા: ૧૩૫ કરોડ ભારતવાસીઓનો સંકલ્પ પૂરો થયો: યોગી આદિત્યનાથ
કોસલા, રામ મંદિર માટે ભૂમિપૂજન બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ત્યાં હાજર લોકોને સંબોધિત કરતાં જણાવ્યું કે, પાંચ સદી બાદ આજે ૧૩૫ કરોડ ભારતવાસીઓનો સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. દેશમાં લોકતાંત્રિક રીતથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઘડીની પ્રતીક્ષામાં કેટલીય પેઢીઓ પસાર થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂઝબૂઝ અને પ્રયાસોના કારણે આજે સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. અમે ત્રણ વર્ષ પહેલાં અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ શરૂ કર્યાે હતો. આજે તેની સિદ્ધિ થઈ રહી છે.
યોગીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સંકલ્પ ૬ વર્ષ પહેલાં લઈને ચાલ્યા હતા તે આજે પૂરો થઈ ગયો છે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની લોકતાંત્રિક શક્તિ અને અહીંની ન્યાયપાલિકાએ દુનિયાને બતાવી દીધું છે કે વિવાદના મુદ્દાને શાંતિપૂર્વક, લોકતાંત્રિક અને બંધારણીય રીતે ઉકેલી શકાય છે.
અવધપુરીનું જે ગૌરવપૂર્ણ સપનુ અમે જાેયું તેનો અહેસાસ આપને પણ થશે. આ માટે અમે જે દીપોત્સવ શરૂ કર્યાે આજે તેની સિદ્ધિ થઈ ગઈ છે. મંદિર નિર્માણનું કાર્ય રામ જન્મભૂમિ ન્યાસ કરશે પરંતુ આ અવધપુરીના ભૌતિક વિકાસ માટે અમે સૌ પ્રતિબદ્ધ છીએ. આ દરમિયાન અમે પ્રયત્ન કરીશું કે આ નગરની સંસ્કૃતિ વારસાને અકબંધ રાખવામાં આવે.