સુરત: માથાભારે ઇમરાન ઉર્ફે બુઢાવની ચાકુનાં ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા
સુરત, સુરત શહેરમાં નવા પોલીસ કમિશનરે ચાર્ચ સંભાળ્યો ત્યારે ગુનેગારોને ચીમકી આપતા કહ્યું હતું કે તેમના સામે કડકાઈથી કામ લેવાશે. જોકે, શહેરની ગુનાખોરીના આલમમાં સંકળાયેલા ઇસમોને આ વાતથી કોઈ ફેર પડ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસમાં માથાભારેની છાપ ધરાવતા ઈમરાન ઉર્ફે બુઢાવની ગઈકાલે રાત્રે ચાકૂના ઉપરાછપરી ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. ઇમરાન પર કેટલા ઇસમોએ હુમલો કરતા તેને હાૅસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ત્રણ દિવસમાં ત્રીજી હત્યા થતા સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગત એવી છે કે ડીંડોલીના ભેસ્તાન આવાસમાં ઈમરાન ઉર્ફે બુઢાવ નામના એક શખ્સની માથાભારે તરીકેની છાપ હતી. દરમિયાન ગઈકાલે રાત્રે ભેસ્તાનના પાંજરાપોળ પાસે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.બુઢાવ પર વરસાદની રાત્રિમાં ચાકુના ઉપરાછાપરી અનેક ઘા ઝીંકવામાં આવ્યા હતા. પગ અને માથાના ભાગે થયેલા ઘામાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. દરમિયાન તેના સાગરિતોએ બુઢાવને હાૅસ્પિટલમાં દાખલ કર્યો હતો.
હાૅસ્પિટલમાં તબીબોએ ઇમરાન ઉર્ફે બુઢાવને મૃત જાહેર કર્યો હતો. સુરત શહેરમાં આ ત્રણ દિવસમાં ત્રીજી હત્યા છે. આ મામલે ડીંડોલી પોલીસે ગુનો નોંધીને ગુનેગારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. દરમિયાન ડીંડોલી પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બુઢાવ માથાભારે હોવાના કારણે તેના પર અંગત અદાવતમાં થયેલા હુમલામાં જ તેનું મૃત્યુ થયું છે. પોલીસે બનાવ વાળી જગ્યા પરથી ચપ્પુ સહિતના પુરાવા એકઠા કરી તપાસ શરૂ કરી છે.