આમોદમાં પ્રાથમિક સુવિધાના કામોમાં ઢીલાશથી નગરજનોમાં રોષ

માજી કારોબારી ચેરમનેનને પણ કડવો અનુભવ થતા ધુંઆપુંઆ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ નગરપાલિકાના શાસકો નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ પુરવાર થયા છે.જેઓ આમોદ નગરજનોની સામાન્ય અરજીઓ પણ અભરાઈએ ચઢાવી દઈ તેનો નિકાલ પણ કરતા નથી અને નગરના સામાન્ય નાગરિકને સામાન્ય માહિતી આપવાથી વંચિત રાખવામાં આવે છે.
આમોદ નગરપાલિકામાં હાલ કોંગ્રેસનું શાસન છે અને આમોદ પાલિકાનો વોર્ડ નંબર પાંચ પણ કોંગ્રેસનો ગઢ ગણાય છે ત્યારે ત્યાંના રહેવાસી અને આમોદ નગરપાલિકાના માજી કારોબારી ચેરમેનને પણ આમોદ પાલિકાના શાસકોનો કડવો અનુભવ થતાં તેઓ આમોદ પાલિકાના સત્તાધારીઓ સામે ધુંઆપુંઆ થઈ ગયા હતા.
આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમા આવેલા દરબાર રોડ વિસ્તારમાં રહેતા કિરણસિંહ રાણા આમોદ પાલિકાના માજી કારોબારી ચેરમેન રહી ચૂકયા છે.હાલ તેમના મકાન પાસેથી જાહેર રસ્તા ઉપર ભૂગર્ભ ગટર ઉભરાતા દુર્ગંધ મારતા ગંદા પાણીથી તેઓ પરેશાન થઈ ગયા હતા.જે બાબતે તેમણે આમોદ પાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખને જાણ કરી હોવા છતાં સત્તાના મદમાં રાચતા પાલિકાના શાસકો તેમની સમસ્યાનું નિરાકરણ ના કરતા આમોદ પાલિકાના માજી કારોબારી ચેરમેન રોષે ભરાયા હતા. આ ઉપરાંત તેમણે આમોદ પાલિકામાં રજુઆત કરવા જતાં મુખ્ય અધિકારી પણ કચેરીમાં મળ્યા ન હોતા.જેથી તેમણે પોતાની હૈયાવરાળ મીડિયા સમક્ષ ઠાલવતા જણાવ્યું હતું કે જો આમોદ નગરપાલિકાના એક માજી કારોબારી ચેરમેનનું કામ પણ પાલિકામાં બેઠેલા શાસકો કરી શકતા ના હોય તો સામાન્ય નાગરિકને કેવી આપડા વેઠવી પડતી હશે.