ભારે વરસાદને પગલે લોકોને ઘરની બહાર નહી નીકળવા ઉદ્ધવ ઠાકરેની અપીલ
મુંબઈ, કોરોના વાયરસ સામે લડી રહેલું મુંબઈ હવે નવી આફતનો સામનો કરી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, ઠાણે અને પાલઘર જિલ્લાઓમાં બુધવારે અતિભારે વરસાદના કારણે જનજીવનને માઠી અસર પહોંચી હતી. મુંબઈમાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. બુધવારે ભારે વરસાદ સાથે ૧૦૭ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. મુંબઈના સાયન, ચેમ્બુર, કુર્લા, કિંગ સર્કલ, અંધેરી ઈસ્ટ, સાંતાક્રુઝ સહિતના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. ટ્રેનો પણ ટ્રેક પર ફસાઈ ગઈ હતી જેના કારણે પેસેન્જર્સ પણ ફસાઈ ગયા હતા. એનડીઆરએફની ટીમે મસ્જિદથી ભાયખલા સ્ટેશન વચ્ચે ફસાયેલા ૪૦ લોકોને બચાવ્યા હતા. ટ્રેક પર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે બે ટ્રેનો ફસાઈ ગઈ હતી.
બે ટ્રેન ફસાઈ ગઈ હતી જેમાં એક સીએસટીથી કર્જત જઈ રહી હતી જેમાં ૧૫૦ જેટલા લોકો ફસાયા હતા. બીજી ટ્રેન કર્જતથી સીએસટી જઈ રહી હતી અને તે પણ ફસાઈ ગઈ હતી. અતિ ભારે વરસાદના કારણે કોલ્હાપુર, સાંગલી, સતારા, ઠાણે, પાલઘર, મુંબઈ, નાગપુરમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદ અને ભારે પવનના કારણે ઘણી જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા ગુરૂવારે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બીએમસીને હાઈ એલર્ટ પર રહેવાનું કહ્યું છે. તેમણે લોકોને પણ અપીલ કરી છે કે તેઓ બિનજરૂરી ઘરની બહાર ન નીકળે.