નવી શિક્ષણ નીતિ માટે 4 વર્ષ વિચાર કર્યો હતો, ત્યારબાદ મંજૂરી આપીઃ મોદી
નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક શૈક્ષણિક પરિષદમાં કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવા અગાઉ અમે આ વિષયમાં ત્રણથી ચાર વર્ષ વિચાર કર્યો હતો. ત્યારબાદ મંજૂરી આપી હતી. આજે તમામ ક્ષેત્રના લોકો આ શિક્ષણ નીતિ વિશે વિચારી રહ્યા જણાય છે. હવે આ શિક્ષણ નીતિના અમલને વેગવાન બનાવવાનુ્ં કામ કરવાનું છે. આજે કોઇ આ શિક્ષણ નીતિનો વિરોધ કરતું નથી. હવે માત્ર લોકો એટલું વિચારી રહ્યા હતા કે આટલા મોટા સુધારાને ધરતી પર શી રીતે ઊતારવો.
કેન્દ્રના શિક્ષણ ખાતા દ્વારા આ બેઠક યોજવામાં આવી હતી. એના શ્રીગણેશ માંડતા પ્રવચનમાં મોદીએ કહ્યું કે આ શિક્ષણ નીતિને ધરતી પર ઊતારવા માટે અને એનેા અમલ કરવા માટે ઝડપભેર જે કરવું ઘટે છે એ કરવાનું છે. તમને એના અમલમાં જે મદદ જોઇએ એ આપવા હુ્ં તમારી સાથે છું. કોઇ પણ શિક્ષણ નીતિ દેશનાં લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને ઘડાવી જોઇએ જેથી ભાવિ પેઢીને તૈયાર કરી શકાય. આ નીતિ નવા ભારતનો પાયો નાખશે. ભારતને સમર્થ બનાવવા માટે એના નાગરિકોને પહેલાં સશક્ત બનાવવા જોઇએ. આ શિક્ષણ નીતિ નાગરિકોને સશક્ત બનાવશે.
આજે નર્સરીનું બાળ જ્યારે નવી ટેક્નીક વિશે ભણશે ત્યારે ભવિષ્યની તૈયારી કરવાનું એને માટે સરળ થઇ પડશે. છેલ્લા ઘણા દાયકાથી શિક્ષણ નીતિમાં કોઇ ફેરફાર થયો નહોતો એટલે સમાજમાં ગાડરિયા પ્રવાહને પ્રોત્સાહન મળતું હતું. ડૉક્ટર એંજિનિયર કે વકીલ બનવાની હોડ જામી હ તી. હવે યુવા પેઢીના સર્જનાત્મક વિચારોને આગળ વધવાની તક મળશે. હવે માત્ર પુસ્તકિયા ભણતરને નહીં પણ વર્કિંગ કલ્ચરને ડેવલપ કરવામાં આવ્યું હતું.
તેમણે એવો પણ દાવો કર્યો તો કે અમારી શિક્ષણ નીતિ યુવા પેઢીને એમનાં સ્વપ્નો પૂરાં કરવાની તક પૂરી પાડે છે. આપણી શિક્ષણ વ્યવસ્થા યુવા પેઢીને સશક્ત બનાવે છે કે એવો વિચાર હાલની શિક્ષણ નીતિ વિશે કરવામાં આવ્યો અને ત્યારબાદ આ નવી નીતિ ઘડવામાં આવી હતી.