સાઉદીના જિદ્દાહ રેલવે સ્ટેશને ભીષણ આગઃ કોન્ટ્રાક્ટર કેબિનો સળગી ઉઠ્યા
જિદ્દાહઃ સાઉદી અરેબિયાના મુખ્ય શહેર જિદ્દાહના સુલેમાનિયાહ જિલ્લામાં આવેલા હરમૈન રેલવે સ્ટેશનપાસે ગુરુવારે સાંજે 7.20 કલાકે ભીષણ આગ લાગી ગઇ હતી. જો કે સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે ફાયર ફાઇટરોએ થોડા કલાકોમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ રેલવે સ્ટેશન પાસેના કોન્ટ્રાક્ટરો માટે બાંધવામાં આવેલા પોર્ટેબલ કોબિનોમાં લાગી હતી. સદનસીબે ઘટના સમયે કોઇ કર્મચારી કે અધિકારી કેબિનોમાં ન હતા. તેથી કોઇ જાનહાનિ કે કોઇને ઇજા થઇ નથી.
અગાઉ ઓક્ટોબર 2019માં હરમૈન સ્ટેશને આગ લાગી હતી. જેના કારણે ટ્રેન સેવા અટકાવવી પડી હતી. હરમૈન હાઇસ્પીડ રેલવેનું 2018માં કિંગ સલમાન બિન અબદુલ અઝીઝે ઉદઘાટન કર્યું હતું. આ ટ્રેન લાઇન પવિત્ર શહેર મક્કા, જિદ્દાહ, કિંગ અબ્દુલ અઝીઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ, રાબિગમાં કિંગ અબ્દુલ્લાહ આર્થિક શહેર અને પવિત્ર શહેર મદીનાને જોડે છે. મધ્યપુર્વમાં આ પ્રથમ હાઇસ્પીડ ઇલેક્ટ્રીક ટ્રેન છે. પાંચ શહેરોને જોડતી આ ડબલ રેલવે લાઇન 450 કિમી લાંબી છે. ટ્રેનની સ્પીડ 300 કિમી પ્રતિ કલાકની છે.