ગુજરાતમાં સળંગ ૪ વર્ષ શાસન કરનાર પાંચમા મુખ્યમંત્રી બન્યા વિજય રૂપાણી

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી ના શાસનને આજે ૪ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગનીતિની જાહેરાત કરવામાં આવશે. સ્વર્ણિમ સંકુલ ૧માં પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપવામાં આવશે.
ગુજરાતમાં સળંગ ચાર વર્ષ શાસન કરનાર મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી ગુજરાતના પાંચમા મુખ્યમંત્રી બન્યા. ઉલ્લેખનીય છે કે, આજના ૭ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ ૧૨ઃ૩૯ કલાકના વિજયમુહૂર્તે વિજય રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. આ સાથે જ નાયબ મુખ્યમંત્રીપદે નીતિન પટેલનો તેમજ નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ ભારે દબદબાપૂર્વક પાટનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. ભાજપની પરંપરા મુજબ, વિવિધ જ્ઞાતિ-સમાજોના સાધુ-સંતોને આ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી આજે રાજ્યની નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરશે. આ પોલીસી અંતર્ગત ગુજરાતમાં વધુને વધુ
મૂડીરોકાણ આવી શકે તેવા પગલાં ભરવામાં આવ્યા છે. ખાસ કરીને કોરોનાને કારણે ચાઇના સાથેના સંબંધો પર અલ્પવિરામ મૂકાયા પછી ચાઇનાથી સ્થળાંતર થઇ રહેલી અન્ય દેશોની ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ ભારતમાં આવે અને તેમાં પણ ગુજરાતમાં આવી શકે તેવી ઉદ્યોગ નીતિ મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાશે.
ઉદ્યોગ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં મૂડીરોકાણ કરવા આવનારા ઉદ્યોગો માટેના નિયમો અને ઈન્સેન્ટીવની જાહેરાત પણ મુખ્યમંત્રી દ્વારા થશે. વાઇબ્રન્ટ ગુજરાત ૨૦૨૧ મા ઉદ્યોગો માટેની સરળતા કરી આપવા માટે આ પોલિસીમાં મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. HS