સૌરાષ્ટ્રમાં ભાદર સહિત ૫૪ ડેમમાં પાણીની નવી આવક
રાજકોટ: લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં શ્રાવણમાં મેઘ મહેર થતા અનેક પંથકમાં મુરઝાતા મોલને જીવતદાન મળી ગયું છે અને જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ભાદર, ન્યારી, આજી સહિત ૫૪ જળાશયોમાં પાણીની સપાટીમાં વધારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાદર સહિત ૫૪ ડેમોમાં પાણીની આવક થઈ છે. સૌરાષ્ટ્રના અનેક ડેમો ઓવરફલો થયા છે.
ભાદરમાં સવા, ન્યારી-૧ માં અડધો ફૂટનો વધારો જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લામાં જળાશયોમાં સંગ્રહશક્તિના ૬૭% પાણીનો જથ્થો આવ્યો છે. રાજકોટ જિલ્લામાં ૩ ઇંચ જેટલા વરસાદથી ભાદર ડેમની સપાટીમાં સવા ફૂટ વધીને ૨૫.૨૦ સુધી પહોંચી ગઈ છે. રાજકોટના ભાગોળે આવેલ આજી-૧ જળાશયની સપાટીમાં અડધો ફૂટનો વધારો થતાં કુલ ૨૪ ફૂટ ભરાય છે. જ્યારે ન્યારી-૧માં પણ અડધો ફૂટ પાણીનો જથ્થો વધતાં સપાટી ૨૩.૬૦ સુધી પહોંચી છે.
આ ઉપરાંત ગોંડલીમાં ૫.૬૪, વાછપરીમાં ૪, છાપરવાડી- ૨માં ૭.૨૨, છાપરવાડી- ૧માં ૩.૬૦, ફાડદંગબેટી ૧.૬૪, લાલપરીમાં ૦.૨૦, કરમાળ ૩, કરણુકી ૧, આજી ૩ માં ૧ અને સુરવોમાં ૧.૩૦ ફૂટની સપાટીમક વધારો થયો છે. આજી ૩ ડેમમાં બે દરવાજા ખોલવામાં આવતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં પણ સારા વરસાદથી ડેમોમાં પાણીની સારી આવક થઈ છે મચ્છુ ૧માં ૧.૩૮, ડેમી ૨માં ૧, મચ્છુ ૩માં ૦.૬૯, વિજરખીમાં ૧, આજી ૪ માં ૧, કંકાવટીમાં ૧, નિમભણીમાં બે ફૂટ પાણીની આવક થઇ છે રાજકોટ જિલ્લાના ૨૫ જળાશયમાં કુલ સંગ્રહશક્તિ ના ૬૭ ટકા પાણીનો જથ્થો આવ્યો છે.
જ્યારે જામનગર જિલ્લામાં ડેમમાં ૮૪ ટકા પાણીનો હાલ જીવંત જથ્થો છે. સૌરાષ્ટ્રમાં બે દિવસથી વરસતા વરસાદના કારણે ભાવનગર અમરેલી અને જૂનાગઢ જિલ્લાના મળી ૨૮ ડેમમાં પાણીની સપાટી વધી છે. માલપરા માં સૌથી વધુ ૧૧ ફૂંટી આવક નોંધાઇ છે. આ ઉપરાંત વડીયામાં એક ફૂટ, ઘેલો માં ત્રણ ફૂટ, આંબાજળ માં ૪, ઓજત સાપુર ૩, ઓજત વંથલી ૫ અને માલગઢમાં ૬ ફૂટની આવક થઇ છે ઉપરાંત ૫૪ ડેમોમાં અડધા ફૂટથી માંડી ૧૧ ફૂટ ની પાણીની સપાટીમાં વધારો થતા લોકોમાં આનંદની લાગણી જન્મી છે અને અનેક ડેમો છલકાતા રૂલ લેવલ જાળવવા અનેક ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે SM