Western Times News

Gujarati News

તક્ષશીલા કાંડ પછીની તપાસ તરકટ સાબિત થઈ

ચોક્કસ નીતિ નિયમો જાહેર કરવા જરૂરી  : મ્યુનિ. કોર્પોરેશનમાં પાંચ વર્ષમાં એક પણ વખત “ડીઝાસ્ટર મેનેજમેન્ટ” માટે મીટીંગ થતી નથી : ફાયર NOC ના નામે માત્ર કોન્ટ્રાકટરોને જ ફાયદો

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદના નવરંગપુરા વિસ્તારની શ્રેય હોસ્પીટલના અગ્નિકાંડમાં ત્રણ મહીલાઓ સહીત આઈ દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. હોસ્પીટલમાં ઓકસીજન લઈને જીવ બચાવવા માટે આવેલા લોકોને કાર્બન ડાયોક્સાઈડ મળ્યો હતા તથા જીવ ગુમાવ્યા છે. શ્રેય હોસ્પીટલની દુર્ઘટના બાદ મ્યુનિ. શાસકો અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતા વધુ એક વખત ઉજાગર થઈ છે તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ મામલે તેઓ કેટલી હદે બેદરકાર છે તે પણ જાહેર થયુ છે. વાર્ષિક રૂા.નવ હજાર કરોડના બજેટમાં નાગરીકોના જાનમાલના રક્ષણ માટે નજીવી રકમ પણ ફાળવવામાં આવતી નથી. સુરત તક્ષશીલા કાંડ બાદ એક સપ્તાહ માટે જાગૃત થયેલા વહીવટીતંત્ર અને સતાધીશો ચાર-ચાર હોસ્પીટલની આગ બાદ પણ જાગૃત થયા ન હતા જેના પરીણામ સ્વરૂપ આ પ્રકારની દુર્ઘટના થઈ છે.

અમદાવાદ શહેરના નાગરિકોએ તેમની જિંદગીની રક્ષા જાતે જ કરવાની રહેશે તેવા સુત્ર સાથે જ જીવવાનું છે. મ્યુનિ. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારોને માત્ર વિકાસની વાતો કરવામાં તથા તેના નામે ભ્રષ્ટાચાર કરવામાં જ રસ છે તેવા ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહયા છે. કાંકરીયા રાઈડની દુર્ઘટના બાદ સંચાલકને સજા થઈ પરંતુ રાઈડ્‌સ માટે NOC આપનાર જવાબદાર અધિકારીને “કલીનચીટ” આપવામાં આવી છે. સદ્‌ર દુર્ઘટના બાદ પણ શાસકો અને વહીવટીતંત્રની કાર્યપધ્ધતિમાં લેશમાત્ર સુધારો થયો નહતો. સુરતના તક્ષશીલા કાંડ બાદ શહેરભરમાં ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ટેરેસ પરના શેડ દુર કરવા સિવાય કોઈ મહત્વની કામગીરી કરવામાં આવી નહતી.

દેવ ઓરમ બીલ્ડીંગ સીલ કર્યા બાદ નાગરીકોની જીંદગીને લાખો રૂપિયાની પેનલ્ટી સામે હોડમાં મુકવામાં આવી હતી. તેવી જ રીતે એક જ વર્ષમાં ચાર હોસ્પીટલોમાં આગના બનાવ બન્યા બાદ પણ હોસ્પીટલોની ફાયર સેફટી મામલે કોઈ ચોક્કસ નીતિ તૈયાર કરવામાં આવી ન હતી. શહેરમાં છેલ્લા એક વર્ષમાં એલ.જી. હોસ્પીટલમાં લેબર રૂમ, થલતેજની સમર્પણ હોસ્પિટલના કોમ્પલેક્ષ, પરિમલ ચાર રસ્તા પાસેની એપલ ચિલ્ડ્રન હોસ્પીટલ તેમજ સીવીલના કેન્સર વોર્ડના આગ લાગી હતી તેમ છતાં હોસ્પીટલોની ફાયર સુવિધા મામલે તંત્ર નિષ્ક્રિય રહયુ હતુ. હવે આઠ લોકોએ જીંદગી ગુમાવ્યા બાદ વધુ એક વખત જાેરશોરથી વાયદા બજાર શરૂ થઈ ગયુ છે.

શહેરમાં ર૧૦૦ કરતા વધુ નાની મોટી હોસ્પીટલો છે જે પૈકી માત્ર ૯ર હોસ્પીટલોમાં જ ફાયર સેફટીના સાધનો છે તથા લાયસન્સ રીન્યુ કરવામાં આવ્યા છે જે હોસ્પીટલો કે અન્ય બહુમાળી મિલ્કતો દ્વારા લાયસન્સ રીન્યુ કરવામાં આવતા નથી તેમને કોઈ રીમાઈન્ડર લેટર મોકલાય છે કે કેમ ? તે જાેવાની તસ્દી ઉચ્ચ અધિકારી અને હોદ્દેદારો દ્વારા લેવામાં આવતી નથી જે લોકો ફાયર NOC માટે અરજી કરતા નથી કે લાયસન્સ રીન્યુ કરાવતા નથી તેમની સામે કઈ કાર્યવાહી કરવી ? તેની કોઈ જ ચોક્કસ નીતિ નથી. ફાયર NOC માટે કયા સાધનો લગાવવા તથા સાધનો સ્ટાન્ડર્ડ કંપનીના છે કે કેમ ? તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી.

મ્યુનિ. ફાયર વિભાગ તરફથી NOCની જવાબદારી થોડા સમય પહેલા જ ભરતી થયેલા ૧૮ સ્ટેશન ઓફીસરો સંભાળી રહયા છે. તેમને આ મામલે પૂરતા જ્ઞાનનો અભાવ છે. ફાયર સેફટીના નામે માત્ર કોન્ટ્રાકટરોના જ ધંધા થઈ રહયા છે. જે કડવી વાસ્તવિકતા છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ માટે કોઈ અલગ કમીટી નથી તેથી તેની ચર્ચા કરવામાં આવતી નથી. ફાયર વિભાગ દ્વારા ડાયરેકટ કમીશ્નરને જ રીપોર્ટ થાય છે. મનપાની ચૂંટાયેલી પાંખને ડીઝાસ્ટર મેનેજમેન્ટ મામલે કોઈ જ નિસ્બત ન હોય તેવો માહોલ છે.

પાંચ વર્ષની ટર્મમાં અધિકારીઓની ભરતી કે બઢતી માટે રપ વખત હોદ્દેદારોની બેઠક મળે છે કારણ કે તેમાં “અંગત” લોકોને સાચવવાના હોય છે જયારે ડીઝાસ્ટર મેનેજમેન્ટ કે ફાયર સેફટી માટે એક પણ વખત હોદ્દેદારોની બેઠક મળતી કારણ કે મતદારોને તેઓ “અંગત” માનતા નથી જેના કારણે જ નાગરીકોની જીંદગી સાથે વારંવાર રમત થઈ રહી છે. કોરોના દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પીટલો સાથે કરાર કરવામાં આવ્યા છે

પરંતુ તેવા ફાયર સેફટીની શરત જ રાખવામાં આવી નથી તેવી જ રીતે આઈ.સી.યુ વોર્ડ કે હોસ્પીટલમાં ઈલેકટ્રીક ઓડીટ થાય છે કે કેમ ? તે જાેવાની પણ તસ્દી લેવામાં આવતી નથી જેના કારણે જ હોસ્પીટલોમાં શોર્ટ સરકીટના કારણે આગ લાગતી હોય છે. મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે તેવા સંજાેગોમાં શ્રેય હોસ્પીટલ દુર્ઘટનાને મુદ્દો બનાવી આક્ષેપ- પ્રતિ આક્ષેપો થશે પરંતુ નાગરીકોની જીંદગી સાથે થઈ રહેલી “રમત”નો કાયમી ઉકેલ આવે તે માટે આયોજન નહીં થાય તેવી ચર્ચા પણ ચાલી રહી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.