ભારતમાં ઓગસ્ટ મહિનામાં દુનિયામાં સૌથી વધુ કોરોનાના કેસ આવ્યા
નવીદિલ્હી, દેશમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે જેના કારણે સરકારની સાથે દેશવાસીઓની ચિંતા પણ વધી રહી છે. છેલ્લા ૯ દિવસોથી સતત ૫૦ હજારથી વધુ કેસ આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર શુક્રવારે પહેલી વાર ૬૦ હજારથી વધારે કેસ સામે આવ્યા છે અને ૮૮૬ દર્દીના મોત થયા છે. દેશમાં હજુ પણ કોરોનાના કેસની સંખ્યા ૨૦ લાખ ૨૭ હજારથી વધારે છે. ઓગસ્ટ મહિનાના પહેલા ૬ દિવસમાં ભારતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અને આ સંખ્યા અમેરિકા અને બ્રાઝિલથી પણ વધુ છે. ઓગસ્ટ મહિનામાં કોરોનાથી મૃત્યુના મામલે પણ ભારત વિશ્વમાં ત્રીજા નંબરે છે.
ઓગસ્ટ મહિનામાં કોરોનાના કેસમાં ભારતે અમેરિકા અને બ્રાઝિલને પણ પાછળ છોડી દીધું છે. જો કે મોતના કેસમાં ભારત નંબર ૩ પર જ છે. ઓગસ્ટના પહેલા ૬ દિવસમાં ભારતમાં ૩,૨૮,૯૦૩ નવા કેસ નોંધાયા હતા જ્યારે અમેરિકામાં ૩,૨૬,૧૧૧ અને બ્રાઝિલમાં ૨,૫૧,૨૬૪ કેસ આવ્યા હતા. આ આંકડા વર્લ્ડોમીટર અનુસારના છે. આ ૬ દિવસમાં ચાર દિવસ એવા હતા જ્યારે ભારતમાં સૌથી વધુ કોરોનાના કેસ આવ્યા હતા. ગુરુવારે ભારતમાં સંક્રમિતોનો આંક ૨૦ લાખને વટાવી ચૂક્યો છે. અત્યાર સધી ૩ દેશોની તુલનામાં ૧૦ લાખથી ૨૦ લાખ સુધી પહોંચવામાં સૌથી વધુ ઝડપથી ભારત આગળ વધ્યું છે. ભારતમાં સંક્રમણ વધવાનો દર ૩.૧ ટકાનો છે. મોતના આંકની વાત કરીએ તો બ્રાઝિલ અને અમેરિકામાં ઓગસ્ટમાં ૬૦૦૦થી વધુ દર્દીના મોત થયા છે જ્યારે ભારતમાં ૫૦૭૫ લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ૧૦ હજારથી પણ વધારે નવા કેસ આવ્યા છે. જ્યારે બિહારમામં ૩૬૪૬, તેલંગાણામાં ૨૨૦૭ અને ઓરિસ્સામાં ૧૮૩૩ કેસ તો પંજાબમાં ૧૦૬૩ અને મણિપુરમાં ૨૪૯ કેસ આવ્યા છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં સોથી વધારે કેસ સાથે ૩૦૦ મોત થયા છે. આ સાથે મહારાષ્ટ્રમાં સંક્રમણનો આંક વધીને ૪,૯૦,૨૬૨ થયો છે. જો આ રીતે કેસ વધ્યા તો શનિવારે આ આંક ૫ લાખને વટાવી જશે. આ સિવાય અહીં ૧૭ હજારથી વધારે લોકોના મોત થયા છે.
આંધ્ર પ્રદેશમાં એક દિવસમાં સૌથી વધુ ૮૯ મોત થયા છે અને ૧૦૧૭૧ નવા કેસ આવ્યા છે. ૨ લાખનો આંક પાર કરનારો આ દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે. આંધ્રમાં સંક્રમણનો આંક ૨.૦૬.૯૬૦ થયો છે. જે ફક્ત મહારાષ્ટ્ર અને તમિલનાડુથી ઓછો છે. આ બંને રાજ્યોમાં પહેલાંથી જ ૨ લાખનો આંક પાર થઈ ગયો છે. આંધ્રમાં અત્યાર સુધી ૧૮૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. સંક્રમણની ગતિ જે રીતે વધી રહી છે તેને જોતાં લાગે છે કે ભારત સંક્રમિતોની સંખ્યાવાળો સૌથી મોટો દેશ બનશે. જ્હોન હોપકિંસ કોરોના રિસોર્સ સેન્ટરના અનુસાર અમેરિકામાં અત્યારે ૪૮ લાખ ૮૩ હજાર ૬૫૭ દર્દીઓ છે. આ રીતે બ્રાઝિલમાં ૨૯,૧૨,૨૧૨ દર્દીઓ છે. દેશમાં ૩૦ દિવસમાં ૧૫ લાખ દર્દીઓ આવ્યા તો તે બ્રાઝિલને પણ પાછળ છોડી દેશે.HS