ભરૂચના કરજણ ગામે દીપડો પાંજરે પુરાયો: ઝડપાયેલા દીપડાને માઈક્રોચીપ લગાવી કેવડિયા ખાતે છોડવામાં આવશે
અન્ય દીપડીના બે બચ્ચા અને દીપડા હોવાના અનુમાનના પગલે પાંજરા ગોઠવાયા: આરએફઓ મહેન્દ્ર કઠવાડિયા
પૂર્વપટ્ટી ના ગામો માં દીપડાની દહેશત પુનઃ ઉભી થઈ : ગ્રામજનો સંધ્યાકાળે ઘરમાં પુરાવા મજબુર.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ તાલુકાના શુકલતીર્થ પાસે આવેલા કરજણ ગામ નજીકના તબેલા નજીક થોડા દિવસ આગાઉ દીપડાએ એક વાછરડા ને શિકાર બનાવતા તબેલા ના માલિક રમેશભાઈ અને ગ્રામજનોની રજુઆતના પગલે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કવાયત ના ભાગરૂપે ગામની સીમમાં પાંજરું મુકવામાં આવ્યું હતું.જેમાં દીપડો મારણ ખાવા જતા પાંજરે પુરાઈ જવા પામ્યો હતો.
ભરૂચ ની પૂર્વપટ્ટી ના ગામો માં તથા કરજણ ગામમાં અવારનવાર દીપડા દેખાવાની ઘટના અને લોકો પર હુમલાના બનાવો દિન પ્રતિદિન સામે આવતા ખેતી કામ અને તબેલાના વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ચિંતા નો વિષય બની જવા પામ્યો હતો.થોડા સમય થી દીપડાનો આંતક મહદ અંશે ઓછો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ત્યાં ફરી એક વાર દીપડાનો આંતક સામે આવતા ભરૂચ વન વિભાગ ની ટીમે દીપડા દેખાયા ના સ્પોટ પર દીપડા ના પગ ના નિશાન મળી આવતા દીપડા ને પાંજરે પુરવા માટે દશ થી વધુ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.જેમાં એક પાંજરા માં દીપડો પાંજરે પુરાઈ જતા ગ્રામજનો દીપડા ને જોવા ઉમટી પડ્યા હતા.
વન વિભાગ ના આરએફઓ મહેન્દ્ર કઠવાડિયાએ જણાવ્યુ હતું કે કરજણ ગામે થી ઝડપાયેલા દીપડો ત્રણ વર્ષ નો છે.જેને પશુ દવાખાના ના ડૉ.કૌશલ વસાવા દ્વારા માઈક્રોચિપ લગાવી સુરક્ષિત રીતે કેવડિયા ના જંગલ માં છોડવામાં આવનાર છે અને હજુ પણ આ વિસ્તાર માં દીપડી અને તેના બચ્ચા ફરી રહ્યા હોય તેમને પણ પાંજરે પૂરવાની કવાયત ચાલી રહી છે.હાલ તો દીપડો પાંજરે પૂરતા લોકો એ હાશકારો અનુભવ્યો છે.
હજુ પણ દીપડી અને તેના બચ્ચા તથા દીપડો હોવાના કારણે ગ્રામજનો માં ભય નો માહોલ ઉભો થયો છે.ત્યારે પૂર્વ પટ્ટી ના ગ્રામજનો ને કોરોના નો ભય કરતા દીપડા નો ભય વધુ સતાવતો હોય તેમ લાગી રહ્યું છે.