કોરોનાનું ગ્રહણ ભગવાનને પણ નડ્યું
અમદાવાદ: કોરોના સંક્રમણના કારણે મંદિરોમાં ભક્તો માટે અત્યારે પ્રવેશ બંધ છે. દ્વારકા સહિતનાં મોટા ભાગનાં મંદિરોમાં જન્માષ્ટમીએ કૃષ્ણજન્મ નિમિત્તે ભક્તો પ્રભુને પારણે નહીં ઝુલાવી શકે. શ્રાવણના તહેવારો નિમિત્તે થતાં ધાર્મિક ઉત્સવ, ધ્વજારોહણને મંજૂરી મળતી નથી, ત્યાં બીજી તરફ સોના-ચાંદીના ભાવમાં સતત તેજી જાેવા મળી રહી હોવાના કારણે આ વખતે વર્ષાેજૂની પરંપરા તૂટી છે. સામાન્ય રીતે શ્રાવણ મહિનામાં અને વાર-તહેવારે મોટાં મંદિરોમાં ભક્તો તરફથી ભગવાનને ચડાવાતાં સોના-ચાંદીના દાગીના, છત્ર, ઝુલા, સિંહાસન, મુગટ, પ્રભુને જમાડવા માટેના થાળના ઓર્ડર ગત વર્ષની સરખામણીએ આ વખતે શહેરના સોની બજારમાં માત્ર ૪૦ ટકા જ નોંધાયા છે. કોરોનાનું ગ્રહણ ભગવાનનેય નડ્યું છે. સોનીના જણાવ્યા મુજબ લોકડાઉન પછી તેમને કોઈ મોટા ઓર્ડર મળ્યા નથી. છેલ્લાં અનેક વર્ષથી અને ગત વર્ષ રૂ.૧૦ હજારથી લઈ રૂ.૧૫ લાખથી વધુ રકમના ઓર્ડર સોની બજારને મુગટ, હાર, માળા, સોના-ચાંદીના ઠાકોરજીનાં રમકડાં, છત્ર, ઝુલા સિંહાસનના ઓર્ડ મળ્યા હતાં.
વેપારીઓના મતે લોકોની ઈન્કવાયરી આવી રહી છે તેની સરખામણીએ ઓર્ડર ગત વર્ષની તુલનાએ માત્ર ૨૦ ટકા નહીંવત છે. જે લોકો ઈન્કવાયરી કરી રહ્યા છે તે બધું રાબેતા મુજબ થઈ જાય પછી ઓર્ડર આપવાનું પસંદ કરે છે. સોના-ચાંદીના ભાવ વધતા જાય છે ત્યારે નાના બજેટમાં દાગીના તૈયાર કરવા શક્ય નથી. તહેવારમાં જે ટર્નઓવર થવું જાેઈએ તેમાં મોટો ઘટાડો થયો છે. લોકડાઉનમાં પગાર ન થવા અથવા તો અડધા પગાર થતાં આર્થિક પરિસ્થિતિ નબળી પડી હોવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જેના કારણે ભક્તો ઓર્ડર આપતા નથી. મંદિરોમાં ભક્તોને ધ્વજારોહણ, પ્રસંગ કે ઉત્સવ કરવાની છૂટ નથી. તેથી હાલમાં ધ્વજાના ઓર્ડર કે ભગવાનના વાઘાના ઓર્ડર કે વેચાણમાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.