આણંદ : અમૂલની ચૂંટણી પ્રક્રિયા શરૂ
(પ્રતિનિધિ) પેટલાદ: ધી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (અમૂલ ડેરી)ના નિયામક મંડળની ચૂંટણી માટે જાહેરનામુ પ્રસિદ્ધ થઈ ચૂક્યુ છે. અમૂલ ડેરીના નિયામક મંડળમાં સમાવિષ્ટ ૧૩ સભ્યો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે. જુલાઈ – ર૦ર૦માં વર્તમાન સભ્યોની મુદત પૂર્ણ થતાં આગામી પાંચ વર્ષ માટેની આ ચૂંટણી યોજાઈ રહી છે. હાલ તા.૬ ઓગસ્ટથી ઉમેદવારી પત્રો ભરાવાના શરૂ થયા છે. અત્યાર સુધી મંડળના બંને વિભાગમાં મળી કુલ ૩૦ ઉમેદવારીપત્રો ભરાઈ ચૂક્યા છે. આગામી ૧૩ ઓગસ્ટ સુધી ઉમેદવારી પત્રો ભરાનાર હોવાથી જાેવાનું એ રહેશે કે, બૃહદ્ ખેડા જીલ્લાના કયા રાજકીય નેતાઓ અને સહકારી આગેવાનો ઉમેદવારી નોંધાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે અમૂલની આ ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ થવાના એંધાણ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ધી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ની સ્થાપના સ્વ. ત્રિભુવનદાસ પટેલે કરી હતી. તેઓએ ખૂબ જ ઉમદા હેતુથી અમૂલ ડેરીની સ્થાપના કરી ચરોતરના પશુપાલકોને રોજગારી પૂરી પાડવાનું ઉત્કૃષ્ટ કામ કર્યુ હતુ. સહકારી ક્ષેત્રની આ ચૂંટણી હંમેશા સહકારી સિદ્ધાંતો અને વિચારસરણીથી થાય તેવુ તેઓ કહેતા હતા. પરંતુ, વર્તમાન સમયમાં સહકારી ક્ષેત્રની અમૂલ ડેરીની ચૂંટણીમાં મોટા ભાગે રાજકીય આગેવાનો ઝંપલાવે છે. હાલ અમૂલ ડેરી સાથે બૃહદ્ ખેડા જિલ્લાના એટલે કે ચરોતર પ્રદેશના એટલે કે આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના લગભગ
૧ર૦૦ જેટલી દૂધ મંડળીઓ સંકળાયેલ છે, જેના થકી લગભગ ૬ લાખથી વધુ પશુપાલકોને રોજીરોટી મળી રહી છે.
અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર અંદાજિત રૂા.૭૮૦૦ કરોડ સુધી પહોંચી ગયુ છે. કરોડોના આ વહીવટ ધરાવતી અમૂલ ડેરીની ચૂંટણી માટે કેટલાક ધારાસભ્યો અને સહકારી આગેવાનોએ આ વખતની ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. અત્યાર સુધી અમૂલના ચેરમેનપદે રામસિંહ પરમાર અને રાજેન્દ્રસિંહ પરમારની જાેડી ચાલતી આવી હતી. પરંતુ, થોડા સમય પહેલા રામસિંહ પરમાર કોંગ્રેસમાંથી ભાજપ સાથે જાેડાઈ જતા ચેરમેન – વા.ચેરમેનની આ જાેડીમાં અંતરાલ ઉભો થયો હતો.
જાેકે, આ વખતે ચૂંટણીના સમીકરણો ત્રિપાંખ્યા જંગ આધારિત હોવાથી જાેવાનું એ રહેશે કે, સત્તાની ખુરશી સુધી કોણ પહોંચે છે ? અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી અમૂલની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનો સીધો જંગ રહેતો હતો. પરંતુ, આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત ભારતીય કિસાન યુનિયન (અ) પણ ચૂંટણી મેદાનમાં આવતા ત્રિપાંખ્યા જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે.
આણંદના નાયબ કલેક્ટર તથા પ્રાંત અધિકારી જે.સી.દલાલ દ્વારા અમૂલની ચૂંટણી માટે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. જે મુજબ ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તા. ૧૩ ઓગસ્ટ છે. આ ઉમેદવારીપત્રોની ચકાસણી તા.૧૪ ઓગસ્ટના રોજ થયા બાદ તે જ દિવસે માન્ય ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ થશે. ત્યારબાદ તા.૧૮ ઓગસ્ટના રોજ બપોરે ૩ કલાક સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચવામાં આવશે અને તે જ દિવસે ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
અમૂલની આ ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા તા.ર૯ ઓગસ્ટના રોજ સવારે ૯ થી ૩ કલાક દરમિયાન હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતની ચૂંટણી પણ બ્લોક મુજબ યોજાશે. જેમાં, બ્લોક ૧ – આણંદ, બ્લોક ર – ખંભાત, બ્લોક ૩ – બોરસદ, બ્લોક ૪ – પેટલાદ, બ્લોક પ – ઠાસરા, બ્લોક ૬ – બાલાસિનોર, બ્લોક ૭ – કઠલાલ, બ્લોક ૮ – કપડવંજ, બ્લોક ૯ – મહેમદાવાદ, બ્લોક ૧૦ – માતર, બ્લોક ૧૧ – નડિયાદ અને બ્લોક ૧ર – વીરપુરનો સમાવેશ થાય છે. આ ૧ર બેઠકો પૈકી ખંભાત અને કપડવંજની બેઠક ઉપર મહિલા અનામત રાખવામાં આવી છે. જ્યારે આજીવન વ્યક્તિ સભાસદની એક બેઠક માટે પણ ચૂંટણી યોજાશે.