ગાંધીજીને ભેટ મળેલાં ચશ્માં હરાજીમાં ૧૪ લાખમાં વેચાશે
લંડન, ગાંધીજીને ૧૯૦૦ના દાયકામાં ભેટમાં મળેલાં અને તેમણે પહેરેલા મનાતા સોનેરી ફ્રેમના ચશ્માં બ્રિટનમાં થનારી હરાજીમાં આશરે રૂપિયા ૧૪ લાખમાં વેચાશે. દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડમાં હનહામમાં ઇસ્ટ બ્રિસ્ટલ ઓકશને સોમવારે કહ્યું હતું કે આ ચશ્મા મેળવી તેઓ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.તેમના લેટર બોક્સમાં એક પરબીડિયામાં આ ચશ્મા મળ્યા હતા.જો કે આ ચશ્માનો ભવ્ય ઇતિહાસ છે તેની તેમને જાણ જ નહતી. ‘આ ખૂબ મોટી શોધ છે જેનું ઐતિહાસિક મહત્ત્વ છે. ચશ્માં આપનાર માટે આ ચશ્માનું મૂલ્ય નહતું. તેણે અમને કહ્યું હતું કે જો તમારા કામના ના હોય તો તેને ફેંકી દેજો’એમ હરાજી કરનાર એન્ડી સ્ટોવે કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે જ્યારે આ ચશ્માના મૂલ્યની વાત કરી ત્યારે તો એ ખુરશીમાંથી લગભગ પડી જ ગયા હતા. આ ખરેખર હરાજીમાં એક મોટી વાત હશે જેનું અમે સપનું જોતા હતા.
ઓનલાઇન હરાજીમાં પાંચ હજાર પાઉન્ડની જેની બોલી અત્યારથી જ લાગી ગઇ છે તે ચશ્મા ઇંગ્લેન્ડમાં એક વયોવૃધ્ધ વ્યક્તિ પાસે હતા જેમને તેમના પિતાએ કહ્યું હતું કે તેઓ દક્ષિણ આફ્રિકામાં ૧૯૧૦ થી ૧૯૩૦ની વચ્ચે બ્રિટિશ પેટ્રોલિયમમાં કામ કરતા હતા ત્યારે તેમને આ ચશ્મા તેમના કાકાએ ભેટમાં આપ્યા હતા. ‘પેર ઓફ મહાત્મા ગાંધીસ પર્સનલ સ્પેકટેકલ્સ’નામની હરાજી ૨૧ ઓગસ્ટે કરાશે. ભારત સહિતના અનેક દેશોએ આ ચશ્મા ખરીદવામાં રસ દર્શાવ્યો હતો. SSS