Western Times News

Gujarati News

ઉત્તરાખંડ: સિરવાડી ગામમાં વાદળ ફાટતાં ભારે તબાહી

ગામના ખેતરો અને રસ્તાઓ પર પણ પહાડો પરથી ધસી આવેલો કાટમાળ ફેલાઈ ગયો: નાગરિકોમાં ભય ફેલાયો

હરિદ્વાર, ઉત્તરાખંડના આંતરિયાળ એવા સિરવાડી ગામમાં રવિવારે મોડી રાતે વાદળ ફાટવાના કારણે ભારે તબાહી મચી છે. વાદળ ફાટવાના કારણે અનેક લોકોના ઘરોમાં કાટમાળ ધસી ગયો હતો અને તે સિવાય ખેતરો, પગદંડીઓ વગેરે સંપૂર્ણપણે ચોપટ થઈ ગયા છે. ઘટનાની જાણ થતા જ વહીવટી અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને વાદળ ફાટવાના કારણે ગામના લોકોમાં ડર વ્યાપ્યો છે. ગામના ખેતરો અને રસ્તાઓ પર પણ પહાડો પરથી ધસી આવેલો કાટમાળ ફેલાઈ ગયો છે. ગામના લોકોએ રાતે જ પોતાના ઘરો ખાલી કરી દીધા હતા અને પહાડો પરથી જે પથ્થરો વગેરે ધસી આવ્યું છે તેના કારણે લોકોના ઘરો અને ગૌશાળાને નુકસાન પહોંચ્યું છે. ગામને જોડતી પગદંડીઓનું કોઈ નામ-નિશાન બચ્યું નથી તથા ખેતરો અને રસ્તાઓ પર મોટા મોટા પથ્થરો પડ્યા છે. વાદળ ફાટવાની ઘટના બાદ ગામ લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.

૧૯૮૬ના વર્ષમાં પણ આ ગામમાં વાદળ ફાટ્યું હતું. તે સિવાય ૧૯૯૬ના વર્ષમાં આ પ્રકારની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વિસ્થાપન યાદીમાં આ ગામનો સમાવેશ થાય છે પરંતુ આજ સુધી ગામના લોકોનું વિસ્થાપન થઈ શક્યું નથી. આ તરફ ગામને જોડતો ગોરપા-સિરવાડી મોટરમાર્ગ ઠેકઠેકાણે ક્ષતિગ્રસ્ત થયો છે જેથી તે વિસ્તારના હજારો લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. સિરવાડી ગામથી થોડે આગળ મોટરમાર્ગ પર આવેલો પુલ પણ વરસાદમાં નાશ પામ્યો છે. રસ્તાનું કોઈ નામ નિશાન નથી રહ્યું અને પુલના સ્થાને રસ્તા પર કાટમાળ વહી રહ્યો છે. SSS

 

આ પણ વાંચોઃ-

https://westerntimesnews.in/news/63442


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.