પતિએ શાક ખાવાની ના પાડતા પત્નીએ ધોકાથી માર્યો
અમદાવાદ: શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમા ૪૦ વર્ષનાં ડાયાબિટીસના દર્દીએ પત્ની વિરુદ્ધ કપડા ધોવાના ધોકાથી મારવા અને અપશબ્દો બોલવાની ફરિયાદ નોંધાવી છે. પતિએ બટાકાનું શાક ખાવાની ના પાડતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને જે બાદ પત્નીએ પતિને એટલો માર માર્યો હતો કે તેને ખભા પર ફ્રેક્ચર થઇ ગયું હતું. શહેરના વાસણામાં રહેતા હર્ષદ ગોહિલે ફરિયાદ નોંધાવી છે. જેમા તેમણે જણાવ્યું છે કે, તેઓને ડાયાબિટીસની બીમારી છે. ડાૅક્ટરે તેમને શું ન ખાવુ અને શું ખાવુ તેમના સ્વાસ્થ્ય માટે સારુ છે તે જણાવ્યું છે.
Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf
તેમણે જણાવ્યું કે, તેમની પત્ની અને તેમનો વારંવાર ઝઘડો થાય છે. શુક્રવારની રાતે, તેમણે પત્નીને પૂછ્યું કે, જમવામાં શું બનાવ્યું છે. તો પત્નીએ કહ્યું બટાકાનું શાક અને રોટલી. આ સાંભળતા પતિએ વિરોધ કર્યો અને કહ્યું કે, તને ખબર છે કે મારા શરીર માટે બટાકા સારા નથી તો પણ તે બનાવ્યા. પત્નીને આ ન ગમ્યુ અને તે પતિને અપશબ્દો બોલવા લાગી હતી.
આ દરમિયાન પત્ની બાથરૂમમાંથી કપડા ધોવાનો ધોકો લઇ આવી અને પતિને માર મારવા લાગી. હર્ષદે મોટથી બૂમો પાડતા તેના પરિવારના અન્ય સભ્યો આવ્યાં અને તેને આ બધામાંથી બચાવ્યો હતો.પરિવાર પતિને સારવાર માટે વી. એસ. હાૅસ્પિટલ લઇ ગયા. જ્યાં ડાૅક્ટરોએ કહ્યું કે, હર્ષદનાં જમણા ખભા પર ફ્રેક્ચર છે. આ અંગે પત્ની વિરુદ્ધ વાસણા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. sss