પિતાની પ્રોપર્ટીમાં દીકરીનો સરખો હિસ્સોઃ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે એક ઐતિહાસીક ચુકાદો આપતાં જણાવ્યુ હતું કે, દીકરીઓને પિતાની સ્થાવર મિલકત તેમજ સંપત્તિ પર અધિકાર રહેશે. હિન્દુ મહિલાઓને પોતાના પિતાની પ્રોપર્ટીમાં ભાઈ અને બહેનને બરાબર હિસ્સો મળશે. વર્ષ 2005માં આ કાયદો બન્યો હતો કે દીકરા અને દીકરી બંનેને પોતાની પિતાની પ્રોપર્ટીમાં સમાન અધિકાર રહેશે. પરંતુ એ સ્પષ્ટ નહોતું કે જો પિતાનું મૃત્યુ 2005થી પહેલા થયું હોય તો શું આ કાયદો આવા પરિવાર પર લાગુ થશે કે નહીં. તે માટે હજુ સુધી કોઈ ખુલાસો થયો ન હતો.
આજે જસ્ટિસ અરૂણ મિશ્રાની આગેવાનીવાળી બેન્ચે આ ચુકાદો આપ્યો કે કાયદો દરેક પરિસ્થિતિમાં લાગુ થશે. જો પિતાનું મૃત્યુ કાયદો બન્યા પહેલા એટલે કે 2005થી પહેલા થયું હશે તો પણ દીકરીને દીકરા જેટલો જ અધિકાર મળશે.
જો પિતાની સ્વપાર્જીત મિલકત ન હોય અને વડિલો પાર્જીત મિલકત હોય તો, આ પ્રકારની પ્રોપર્ટીને પોતાના વ્યક્તિગત નિર્ણયથી કોઈને ન આપી શકે. એટલે કે આ મામલામાં તે કોઈ એકના નામે વીલ ન કરી શકે. તેનો અર્થ એ થાય છે કે, તેઓ દીકરીને તેનો હિસ્સો આપવાથી વંચિત ન રાખી શકે. જન્મથી દીકરીનો પૈતૃક સંપત્તિ પર અધિકાર હોય છે.
જો પિતાએ પોતે પ્રોપર્ટી ખરીદી (સ્વપાર્જીત) છે એટલે કે પિતાએ પ્લોટ કે ઘર પોતાના પૈસાથી ખરીદ્યું છે તો દીકરીનો પક્ષ આવા કિસ્સાઓમાં નબળો થઈ જાય છે. આ મામલામાં પિતાની પાસે પ્રોપર્ટીને પોતાની ઈચ્છાથી કોઈને ગિફ્ટ કરવાનો અધિકાર હોય છે. દીકરી તેમાં વાંધો ઉઠાવી શકે નહીં.