શિક્ષણ ખાતા દ્વારા વિદ્યાર્થીઓને ઇનોવેશન કરવા માટે વેબિનાર
વિદ્યાર્થીઓમાં રહેલ સ્કીલને સાચી દિશા આપીને ડિફેન્સ ક્ષેત્રે ઇનોવેશન કરવા રાજ્ય સરકારનો નવતર અભિગમ
ગાંધીનગર, રાજ્યમાં ડિફેન્સના નવા નવા ઇનોવેશન માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાના ઉદ્દેશ્યથી આજે શિક્ષણ વિભાગના ઉપક્રમે આઇ-હબ ‘માઈન્ડ ટુ માર્કેટ-ડિફેન્સ ઇનોવેશન ચેલેન્જ’ વિષયે વેબીનાર યોજાયો જેમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સહભાગી થયા હતા.
આ વેબીનારમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, યુવાનોમાં રહેલ સ્કિલને સાચી દિશા આપીને ડિફેન્સ ક્ષેત્રે ઇનોવેશન કરવા ગુજરાતનો આ નવતર અભિગમ છે. વિશ્વમાં સૌથી વધુ ભારત પાસે યુવાધન છે ત્યારે, સંરક્ષણ ક્ષેત્રે સ્ટાર્ટઅપથી રાષ્ટ્રની સુરક્ષા વધુ સઘન બનાવવામાં યુવાઓનું યોગદાન અમૂલ્ય પુરવાર થશે.મંત્રી ચુડાસમાએ ઉમેર્યું હતું કે, આજે વૈશ્વિક સ્તરે ટેકનોલોજીની હોડ છે
ત્યારે, રાષ્ટ્રની સુરક્ષા આધુનિક ટેકનોલોજીના માધ્યમ દ્વારા વધુ સઘન બને અને આ આધુનિક ટેકનોલોજી સુરક્ષાની દ્રષ્ટિએ સ્વદેશી હોય તે પણ તેટલું જ આવશ્યક છે. વૈશ્વિક કોરોના મહામારીના સમયે ગુજરાતના યુવાનો સંરક્ષણ ક્ષેત્રે સ્ટાર્ટઅપ કરી આપત્તિને અવસરમાં બદલી ગુજરાતને ‘આર્ત્મનિભર ભારત’ની દિશામાં આગવું સ્થાન અપાવશે તેઓ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે પોલીસ તંત્ર માટે ‘વિશ્વાસ’ અને ‘આશ્વસ્ત’ પ્રોજેક્ટ અમલી બનાવી રાજ્યની કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે.
સાથે આ સ્ટાર્ટઅપ થકી વોર-ડિફેન્સ માટે અગત્યની બે બાબતો વેપન અને ઇન્ટેલિજન્સ અત્યાધુનિક બનશે. રાજ્યમાં આઈટી અને એન્જિનિયરિંગ ક્ષેત્રે તૈયાર થઈ રહેલા વિદ્યાર્થીઓને આ સ્ટાર્ટઅપથી યોગ્ય પ્લેટફોર્મ પૂરું પડાશે, જેના થકી તેઓ ‘સ્કિલ વીથ વીલ’ થકી સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રે નવા પડકારો ઝીલી સાચા દિશા નિર્દેશનથી રાષ્ટ્રીય સુરક્ષાને વધુ સઘન બનાવાશે.ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણના અગ્ર સચિવ અંજુ શર્માએ કહ્યું હતું કે, રાજ્યની સુરક્ષામાં શિક્ષણના નવા અભિગમ દ્વારા આઈ-હબ વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ, સંશોધકો અને કેટલાક ઇનોવેટર્સ પાસેથી ડિફેન્સને લગતા પ્રશ્નો મેળવીને તેનું સમાધાન આપવાનું કામ કરશે. શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રોના તમામ અધિકારીઓ અને તજજ્ઞો ડિફેન્સ મિકેનિઝમને વધુ મજબૂત બનાવવામાં તેમનું યોગદાન આપશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.SSS